06 January, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર - શાદાબ ખાન
મહારાષ્ટ્રમાં દર વર્ષે અષાઢ મહિનામાં પંઢરપુરની યાત્રા એટલે કે પંઢરપુરની વારી કાઢવામાં આવે છે જેમાં સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામની પાલખીમાં તેમની પાદુકા મૂકીને પંઢરપુર લઈ જવામાં આવે છે. ૮૦૦ જેટલાં વર્ષ પહેલાંની આ પરંપરાગત વારી ૨૧ દિવસ ચાલે છે જેમાં હજારો લોકો સામેલ થાય છે. જોકે મુંબઈગરાઓ કામકાજની વ્યસ્તતાને લીધે વારીમાં સામેલ નથી થઈ શકતા આથી શ્રી વારકરી પ્રબોધન મહાસમિતિ દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે કૉટનગ્રીનમાં આવેલા શ્રી રામ મંદિરથી વડાલા ખાતેના શ્રી વિઠ્ઠલ મંદિર સુધી વારીનું આયોજન કરવામાં આવે છે. મહાસમિતિના ટ્રસ્ટી દીપક શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં વારી શરૂ કરવાનું આ પચીસમું વર્ષ છે. આથી આ વખતે દર વર્ષ કરતાં વધુ સંખ્યામાં મુંબઈકરો વારીમાં જોડાયા હતા. પંઢરપુરની જેમ જ ફાઇવ ગાર્ડન્સમાં મોટું સર્કલ બનાવીને એમાં ઘોડાને ફેરવવાની પરંપરા અમે પણ કાયમ રાખી છે. પંદરેક હજાર મુંબઈગરાઓએ આ વારીનો લાભ લીધો હતો. આ વારીમાં કેટલાક લોકો ભગવાન વિઠ્ઠલનું રૂપ ધારણ કરીને આવ્યા હતા તો કેટલાકલોકોએ શિરે વિઠ્ઠલની નાનકડી મૂર્તિ પણ રાખી હતી જેનું લોકોએ પૂજન કર્યું હતું.’