સગાઈમાં હાજરી આપવા ગુજરાતથી કારમાં મહારાષ્ટ્રના અમલનેર જતા એક જ કુટુંબના ચાર જણને કાળ ભરખી ગયો

10 June, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય નિકમે ‘મિડ-ડે’ને આપેલી માહિતી અનુસાર પ્રાથમિક દૃષ્ટિએ ડ્રાઇવરને ઝોકું આવ્યું હોવાના કારણે અકસ્માત થયો હોવાનું જણાય છે.

બચી ગયેલા પણ કારના કાટમાળમાં ફસાઈ ગયેલા ડ્રાઇવરને ગામના લોકો અને પોલીસે ભેગા મળીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

મંગળવારે સવારે ૭ વાગ્યે જળગાવના અમલનેરના લોંઢે ફાટા નજીક કાર, બાઇક અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતના સુરતના વ્યારાના એક જ કુટુંબના ચાર જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે જે બાઇક સાથે કાર અથડાઈ એ બાઇક પર સવાર બે જણનાં પણ આ ઘટનામાં મોત થયાં હતાં. કારના ડ્રાઇવરનો બચાવ થયો હતો અને એક બાળકને સ્થાનિકોએ ચગદાઈ ગયેલી કારની નીચેથી કાઢી તેનો જીવ બચાવ્યો હોવાની માહિતી મળી છે. વ્યારાનો પરિવાર સગાઈ પ્રસંગે જળગાવના અમલનેર જઈ રહ્યો હતો.અમલનેર પોલીસ-સ્ટેશનના સિનિયર

ઇન્સ્પેક્ટર દત્તાત્રેય નિકમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાર ચલાવી રહેલા આદિત્ય મહાજનનો આ અકસ્માતમાં બચાવ થયો હતો, જ્યારે કારમાં સવાર નંદલાલ મહાજન, અનિતા મહાજન, સુરેશ મહાજન અને નિર્મલા મહાજન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. આદિત્ય મહાજને સીટ-બેલ્ટ પહેર્યો હોવાથી તેનો જીવ બચ્યો હતો, જ્યારે બાકી કોઈએ સીટ-બેલ્ટ પહેર્યો નહોતો. કાર સામેથી આવી રહેલી બાઇક સાથે અથડાઈ ત્યાર બાદ ફંટાઈને બાજુમાંથી પસાર થઈ રહેલી ST બસ સાથે અથડાઈ હતી.’ મહાજન કુટુંબ મૂળ મહારાષ્ટ્રનું છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતના સુરતના વ્યારા તાલુકામાં સ્થાયી થયેલું છે.

ડ્રાઇવરને ઝોકું આવવાને લીધે અકસ્માત થયાની શંકા
સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય નિકમે ‘મિડ-ડે’ને આપેલી માહિતી અનુસાર પ્રાથમિક દૃષ્ટિએ ડ્રાઇવરને ઝોકું આવ્યું હોવાના કારણે અકસ્માત થયો હોવાનું જણાય છે.

maharashtra news maharashtra gujarat news gujarat road accident jalgaon