18 February, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૂતન નીલમ અપાર્ટમેન્ટમાં તૂટી પડેલો સ્લૅબ.
થાણેના વાગળે એસ્ટેટના શાંતિનગરના નૂતન નીલમ અપાર્ટમેન્ટમાં ગઈ કાલે વહેલી સવારે પાંચમા માળના ફ્લૅટનો સ્લૅબ ચોથા માળે પડતાં થયેલી દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઈજા પામી હતી જેમાંથી એકની હાલત ગંભીર છે. ૩૫ વર્ષ જૂની આ ઇમારતની A વિન્ગમાં બનેલી આ ઘટનાની જાણ થતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)નો ડિઝૉસ્ટર મૅનેજમેન્ટ સેલ, ફાયર-બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઇમારત C2B શ્રેણીમાં આવતી હોવાથી એને અગાઉ જ સમારકામની જરૂરિયાત તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.
TMCના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬૦ વર્ષના ગજેન્દ્ર પ્રસાદના પાંચમા માળના ૫૦૧ નંબરના ફ્લૅટનો સ્લૅબ તૂટીને ચોથા માળે પડ્યો હતો. આ અકસ્માતમાં ગજેન્દ્ર પ્રસાદને જમણા ખભામાં ફ્રૅક્ચર અને શરીરે અન્ય ઈજા થઈ છે. ચોથા માળે રહેતા ૨૫ વર્ષના પ્રિન્સ યાદવને જમણા પગમાં ફ્રૅક્ચર આવ્યું છે તથા ૨૩ વર્ષના પ્રદીપ યાદવના બન્ને પગ અને શરીર પર ગંભીર ઈજા થઈ છે. ત્રણેય ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રદીપ યાદવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇમારતમાં કુલ ૨૬ ફ્લૅટ છે જેમાં ૯૫ લોકો રહે છે. ઘટના બાદ તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. એ તમામને તાત્કાલિક TMCની સ્કૂલમાં આશ્રય આપવામાં આવ્યો છે.’
TMCના બાંધકામ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇમારતનો બાકીનો ભાગ પણ જોખમી હાલતમાં હોવાથી નૂતન નીલમ અપાર્ટમેન્ટનો વીજપુરવઠો બંધ કરીને A અને B વિન્ગને સીલ કરવામાં આવી છે. આવતા બે દિવસમાં બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’