15 February, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રોનો સ્લૅબ પડવાથી રિક્ષા અને કાર કચડાઈ ગયાં હતાં.
મુલુંડ-વેસ્ટમાં શનિવારે લાલ બહાદુર શાસ્ત્રી (LBS) રોડ પર અન્ડર-કન્સ્ટ્રક્શન મેટ્રો 4ના ગર્ડર બ્રિજનો સ્લૅબ કેટલાંક વાહનો પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ૩ લોકો ઘાયલ થયા હતા. ગર્ડર બ્રિજના પૅરાપેટનો સ્લૅબ બપોરે ૧૨.૧૫ વાગ્યે LBS રોડ પર જૉન્સન ઍન્ડ જૉન્સન ફૅક્ટરી નજીક એક રિક્ષા અને કાર પર પડ્યો હતો એટલે બન્નેને ભારે નુકસાન થયું હતું અને રિક્ષામાં પ્રવાસ કરતી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
ફાયર-બ્રિગેડના એક ઑફિસરે મરનારની ઓળખ રામધન યાદવ તરીકે કરી છે અને ઘાયલોમાં ૪૫ વર્ષના રાજકુમાર યાદવ, બાવન વર્ષના મહેન્દ્ર યાદવ અને ૪૦ વર્ષનાં દીપા રુહિયાનો સમાવેશ હતો. રાજકુમારની હાલત ગંભીર છે અને તે નજીકની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં છે, જ્યારે મહેન્દ્ર અને દીપા હાલમાં સ્થિર છે એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઑફિસરે કહ્યું હતું.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મુલુંડ ફાયર-સ્ટેશન નજીક મેટ્રોલાઇનના બાંધકામના પિયર 196 નજીક બપોરે ૧૨.૧૫ વાગ્યે પૅરાપેટ સેગમેન્ટનો એક ભાગ પસાર થતી રિક્ષા અને કાર પર પડ્યો હતો. મેટ્રોની પ્રોજેક્ટ-ટીમ સ્પૉટ પર પહોંચી ગઈ હતી અને રાહતકામગીરી પર કામ કરી રહી હતી. તેમણે BMC અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ અધિકારીઓ સાથે સહકાર સાધીને સ્પૉટ સુરક્ષિત કર્યું હતું.’
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એ પૅરાપેટ ચોક્કસ કયાં કારણોસર તૂટી પડી એ જાણવા માટે તપાસ ચાલી રહી છે. MMRDAએ મેટ્રો પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના ડિરેક્ટર બસવરાજ ભગ્રાગોંડની હાઈ લેવલ કમિટી આ કેસની તપાસ માટે નીમી છે. MMRDAએ આ ઘટનાને લઈને મરનાર પ્રત્યે દિલગીરી દાખવી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. એની સાથે જ MMRDAની પૉલિસી અનુસાર મરનારના પરિવારને વળતર આપવામાં આવશે તથા જે ઘાયલ થયા છે તેમની સારવારનો ખર્ચ પણ MMRDA ઉપાડશે એમ નિવેદનમાં જણાવાયું હતું.
ઉપરોક્ત ઘટનાને લઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મુલુંડમાં મેટ્રોનો સ્લૅબ તૂટી પડવાથી એક જણનું મોત થયું હતું અને અન્ય ૩ લોકો ઘાયલ થવાની આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ તપાસમાં સેફ્ટી, બાંધકામ કરતી વખતે લેવી પડતી કાળજી, સાવચેતી વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઘટના માટે જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. એ સિવાય આવી બધી જ સાઇટનું સેફ્ટી-ઑડિટ કરવાનું વહેલી તકે ચાલુ કરી દેવાશે જેથી આવી બીજી ઘટના બનતી રોકી શકાય. આ બહુ જ કમનસીબ ઘટના હતી. આ ઘટનામાં મરનારના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમની સાથે અમારી સંવેદનાઓ જોડાયેલી છે, અમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. જે લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો ખર્ચ MMRDA અને રાજ્ય સરકાર ઉપાડશે. આ કામમાં સુરક્ષાની પૂરતી કાળજી લેવાઈ હતી કે નહીં એની તપાસ થશે અને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.’
આ ઘટના બાદ કૉન્ગ્રેસનાં મુંબઈનાં વડાં વર્ષા ગાયકવાડે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે અધિકારીઓ લોકોની સુરક્ષા પર ધ્યાન આપવા કરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સના પ્રચાર પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તેમણે એ પ્રશ્ન પણ કર્યો કે શું મેટ્રોનાં કામો ઝડપથી પૂરાં કરવાના પ્રયાસમાં ક્વૉલિટી, ટેક્નિકલ અને સલામતીનાં ધોરણો સાથે ચેડાં થઈ રહ્યાં છે?
મુલુંડ મેટ્રોની આ દુર્ઘટનામાં મુલુંડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૧૦, ૩૨૪ (૫), ૩(૫) હેઠળ મૅનેજેર, એન્જિનિયર, સુપરવાઇઝર અને કંપનીના કુલ પાંચ કર્મચારીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.
MMRDAએ આ બાબતે તાત્કાલિક પગલાં લઈને કૉન્ટ્રૅક્ટરને પાંચ કરોડનો ફાઇન ફટકાર્યો છે. એ ઉપરાંત કામ પર ધ્યાન રાખવા જનરલ સુપરવાઇઝરનું કામ જે વિદેશી કંપનીને સોંપવામાં આવ્યું હતું એને પણ એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. MMRDAના અધિકારી અશ્વિન મુદગલે કહ્યું હતું કે અમે આ કેસની ઝીણવભરી તપાસ કરીશું અને કૉન્ટ્રૅક્ટર સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે.
ઉત્તર પ્રદેશથી કલવા એક લગ્નમાં હાજરી આપવા આવેલા ગામના સરપંચ રામધન યાદવ આ મેટ્રો-હોનારતમાં મૃત્યુ પામ્યા હતા. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામના સરપંચ રામધન અને ભૂતપૂર્વ સરપંચ મહેન્દ્ર યાદવ બે દિવસ પહેલાં જ મુંબઈ આવ્યા હતા. તેઓ મુંબઈમાં ફરી રહ્યા હતા અને ગઈ કાલે તેમના એક ઓળખીતાની મુલુંડમાં આવેલી દુકાને પણ ગયા હતા. ત્યાર બાદ તેઓ કલવા લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે ઉપરથી મેટ્રોના બ્રિજનો પૅરાપેટનો સ્લૅબ પડ્યો હતો. એમાં રામધન યાદવને ગંભીર ઈજા થતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે ‘એવું જાણવા મળ્યું છે કે આ ઘટનામાં જે કૉન્ટ્રૅક્ટરના માણસો કામ કરી રહ્યા હતા તે કૉન્ટ્રૅક્ટર સામે આ પહેલાં પણ કામમાં બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધાઈ છે. MMRDAના ચીફ સેફ્ટી ઑફિસરે આ ઘટના બદલ માહિતી આપી હતી કે કામગારો પૅરાપેટ વૉલનો ભાગ સેફ કરવા એનું વેલ્ડિંગ કરી રહ્યા હતા ત્યારે ભૂલથી એ કાપી નાખતાં આ પોર્શન નીચે પડ્યો હતો. સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર અનુસાર આ કામ સુપરવાઇઝરની દેખરેખ નીચે જ થવું જોઈતું હતું પણ એ વખતે ત્યાં કોઈ પણ સુપરવાઇઝ કરવા હાજર નહોતું. મિહિર કોટેચાએ દાવો કર્યો હતો કે મેટ્રો 4 પર પંચાવન જગ્યાએ બેદરકારી દાખવી હોવાનું જણાઈ આવ્યું છે.