સોલો ટ્રિપ પર લોનાવલા ગયેલી મુંબઈની લૉ-સ્ટુડન્ટની ડેડ-બૉડી સ્નિફર ડૉગે ખીણમાંથી શોધી કાઢી

04 February, 2026 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની શંકા વ્યક્ત કરી છે. શ્રેયા છેલ્લા ઘણા સમયથી તાણમાં હોવાનું જાણવા મળ્યું છે.

લોનાવલામાં સોલો ટ્રેકિંગ માટે ગયેલી મુંબઈની ૨૦ વર્ષની લૉ-સ્ટુડન્ટની ડેડ-બૉડી એક ઊંડી ખીણમાંથી મળી આવી હતી

લોનાવલામાં સોલો ટ્રેકિંગ માટે ગયેલી મુંબઈની ૨૦ વર્ષની લૉ-સ્ટુડન્ટની ડેડ-બૉડી એક ઊંડી ખીણમાંથી મળી આવી હતી. રવિવારે સાંજે પાંચ વાગ્યે લોનાવલાના ટાઇગર પૉઇન્ટ પર લોનાવલા પોલીસને સર્ચ-ઑપરેશન દરમ્યાન ડેડ-બૉડી મળી હતી. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘CBD બેલાપુરમાં રહેતી મુંબઈની કૉલેજમાં લૉનો અભ્યાસ કરતી શ્રેયા પતી ઘણી વાર સોલો ટ્રિપ કરતી હતી. શનિવારે સોલો ટ્રેકિંગ માટે તે લોનાવલા ગઈ હતી. અમુક પૉઇન્ટ્સ જોયા બાદ તે બપોરે ડ્યુક્સ નોઝ પૉઇન્ટથી ટાઇગર પૉઇન્ટ સુધી રિક્ષામાં ગઈ હતી. કેટલાક લોકોએ તેની બૅગ રસ્તાની બાજુમાં આવેલી ટપરી પાસે જોઈ હતી. બૅગમાં તેનું આઇડી કાર્ડ, મોબાઇલ ફોન અને લૅપટૉપ હતું એના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો.

પોલીસ ફોર્સના ડૉગની મદદથી તેની ડેડ-બૉડી શોધી કાઢવામાં આવી હતી. યુવતીની બૅગમાંથી તેના રૂમાલની સ્મૅલ ડૉગને સૂંઘાડવવામાં આવી અને એ સ્મૅલના આધારે ડૉગે ખીણમાંથી યુવતીની ડેડ-બૉડી શોધી કાઢી હતી.’ 

શ્રેયાના પરિવારે પહેલી ફેબ્રુઆરીએ તેની સાથે સંપર્ક ન થતાં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની શંકા વ્યક્ત કરી છે. શ્રેયા છેલ્લા ઘણા સમયથી તાણમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે વધુ તપાસ બાદ પોલીસને સાચું કારણ જાણવા મળશે.

mumbai news mumbai lonavla lonavala navi mumbai mumbai police