14 May, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈને પાણી પૂરું પાડતી મોરબેની મેઇન પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી આજે અને કાલે નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણીની સપ્લાય નહીં થાય. એ પછીના ૨૪ કલાક પણ પાણી ઓછા દબાણ સાથે છોડવાનું હોવાથી પાણીનો ફોર્સ ઓછો હશે. એટલે લોકોને પાણી સાચવીને વાપરવાનું કહેવામાં આવ્યું છે.
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ને હાલ પાણીની પાઇપલાઇન બદલાવવાનું કામ હાથ પર લીધું છે. સાથે જ જૂની પાઇપલાઇનનું સમારકામ પણ ચાલી રહ્યું છે. નવી મુંબઈના બોખરાપાડામાં આવેલા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીની સપ્લાય કરતી મેઇન પાઇપલાઇનમાં અવારનવાર ભંગાણ પડતું હતું અને મોટા પ્રમાણમાં પાણી લીક થતું હોવાથી એનું સમારકામ હાથ ધરવાનું છે. એથી બુધવારે નવી મુંબઈના બેલાપુર, નેરુળ, કામોઠે, વાશી, સાનપાડા, તુર્ભે, કોપર ખૈરણે, ઘણસોલી અને ઐરોલીમાં પાણીની સપ્લાય નહીં થાય.