19 January, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
BMCની ચૂંટણીમાં BJP અને એકનાથ શિંદેની મહાયુતિને બહુમતી મળી છે ત્યારે શિવસેના (UBT)ના કેટલાક નગરસેવકો નૉટ રીચેબલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઠાકરે જૂથના ૧૦ કે એથી વધુ નગરસેવકોની વિરોધ પક્ષમાં બેસવાની ઇચ્છા નથી એટલે તેઓ એકનાથ શિંદે અને તેમના પદાધિકારીઓના સંપર્કમાં છે. એકનાથ શિંદેએ રિઝલ્ટ આવ્યાની સાંજથી જ અન્ય પાર્ટીના નગરસેવકોને શિવસેનામાં લાવવા ઑપરેશન ટાઇગર ચાલુ કરી દીધું હોવાનું કહેવાય છે.
શિવસેના (UBT)ના આ નેતાઓ ચૂંટણી પહેલાં પણ એકનાથ શિંદેના સંપર્કમાં હતા. હવે જ્યારે મહાયુતિ BMCમાં સત્તા પર આવી શકે એમ છે ત્યારે તે નગરસેવકોમાંથી જે ચૂંટાઈ આવ્યા છે તેઓ તેમના વિસ્તારમાં જે કામ કરવાનાં છે એ માટે જો સત્તામાં હોય તો વધુ સારી રીતે એ કરી શકે એવી ગણતરી મૂકીને એકનાથ શિંદે સાથે જોડાઈ જાય એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
નવા ચૂંટાઈ આવેલા નગરસેવકો આ રીતે પક્ષપલટો કરી શકે કે કેમ, તેમને કોઈ નિયમ લાગુ પડે કે નહીં? આવા સવાલ કરવામાં આવ્યા ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે BMCના આ માટેના નિયમ ૧૮૮૮ના કાયદા મુજબ છે એ પ્રમાણે તેમને આવા પક્ષપલટાના નિયમ લાગુ પડતા નથી. રિઝલ્ટ પછી ૩૦ દિવસ સુધી નવા ચૂંટાઈ આવેલા નગરસેવક પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે અને કયા પક્ષને સમર્થન આપવું એનો નિર્ણય પણ તેઓ લઈ શકે છે.
આ બાબતે જ્યારે શિવસેવા (UBT)ના નેતા અરવિંદ સાવંતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષની આ સૌથી મોટી જોક છે. શનિવારે જ અમારી બેઠક થઈ અને એમાં બધા જ નગરસેવકો હાજર રહ્યા હતા. તે લોકો શું કામ પક્ષ છોડે? ઊલટું જે સંઘર્ષ કરીને તે જીતી આવ્યા છે એનો તેમને ગર્વ છે, તે વેચાયા નથી. અમે આ પહેલાં પણ વિરોધ પક્ષમાં રહીને કામ કર્યાં જ છે. BMCનાં સામાજિક કામ નથી રોકી શકાતાં.’