કલ્યાણ-ડોમ્બિવલીમાં ૨૫૦ પોલીસનું સ્પેશ્યલ કૉમ્બિંગ ઑપરેશન

27 October, 2025 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮ કલાકની કાર્યવાહીમાં નશાના અને જુગારના અડ્ડાઓનો નાશ કરીને જાહેર સ્થળોએ દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા લોકો સામે કેસ નોંધ્યા

કલ્યાણ-ડોમ્બિવલીમાં લોકોમાં ભય ફેલાવતા ગુંડાઓને બાંધીને જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા અને તેમને કાન પકડીને ઊઠ-બેસ કરાવી હતી.

કલ્યાણ-ડોમ્બિવલીમાં ૨૫૦ પોલીસનું સ્પેશ્યલ કૉમ્બિંગ ઑપરેશન : ૩૫૦ જેટલાં અસામાજિક તત્ત્વો, ગુંડાઓની ધરપકડ

છેલ્લા કેટલાક દિવસથી કલ્યાણ-ડોમ્બિવલીમાં રાત્રે ચોરી, જાહેર સ્થળોએ દારૂ અને ડ્રગ્સ પીવાની ઘટના તેમ જ જાહેરમાં મારઝૂડ જેવા ગુનાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યા બાદ આશરે ૨૫૦ પોલીસની એક ખાસ ટીમે શનિવારે રાત્રે ૮ વાગ્યાથી ગઈ કાલે વહેલી સવારે ૪ વાગ્યા સુધી સ્પેશ્યલ કૉમ્બિંગ ઑપરેશન ચલાવ્યું હતું. આ ઑપરેશનમાં કાર્યવાહીના ભાગરૂપે ૩૫૦થી વધુ અસામાજિક તત્ત્વો અને ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા વર્ષે પોલીસે સતત બેથી ૩ મહિના સુધી આવાં કૉમ્બિંગ ઑપરેશન કરીને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી વિવિધ પ્રકારના નશાના અને જુગારના અડ્ડાઓનો નાશ કર્યો હતો તેમ જ જાહેર સ્થળોએ દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા તથા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરનારા, શાંતિમાં ખલેલ પહોંચાડનારા અને તોફાન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન હવેથી ચાલુ રહેશે એમ જણાવતાં થાણે પોલીસ ઝોન ત્રણના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અતુલ ઝેંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં છેલ્લા ૬ મહિનાથી જાહેરમાં મારઝૂડ કરીને કેટલાંક અસામાજિક તત્ત્વો નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકાવતાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં લોકો બિન્દાસ નશો કરતા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ સમયે પોલીસનો ડર નીકળી ગયો હોય એવો દાવો નાગરિકો કરી રહ્યા હતા. એ જોતાં શનિવારે રાત્રે ૮ વાગ્યાથી રવિવાર વહેલી સવારે ૪ વાગ્યા સુધી સ્પેશ્યલ કૉમ્બિંગ ઑપરેશન કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં ૩૫૦થી વધુ ગુંડાઓ, અસામાજિક તત્ત્વો, દારૂડિયાઓ અને બદમાશોની અટકાયત કરીને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. આગળની કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવશે. કલ્યાણ-ડોમ્બિવલીને ડ્રગમુક્ત બનાવવાના અભિયાનનો આ એક ભાગ હતો. શહેરના નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ ઝુંબેશથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.’

કૉમ્બિંગ ઑપરેશન ક્યાં કરવામાં આવ્યું?
કલ્યાણ રેલવે-સ્ટેશનની આસપાસની ઇમારતો અને પાર્કિંગમાં છુપાયેલા ચોરો અને દારૂડિયાઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાં ઝાડ અને ઝાડીઓની આડમાં બેસીને દારૂ અને ડ્રગ્સનું સેવન કરતાં અસામાજિક તત્ત્વોની ટોળકીની ધરપકડ કરી હતી. આ સમયે કેટલાક લોકોએ પોલીસની પકડમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ચારે બાજુથી ઘેરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. દારૂ પીને વાહન ચલાવતા વાહનચાલકો પાસેથી ૪૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. છ ખતરનાક ગુંડાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોમાં ભય ફેલાવતા ગુંડાઓને બાંધીને જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા.

mumbai news mumbai kalyan dombivli kalyan dombivali municipal corporation mumbai police Crime News mumbai crime news