03 November, 2025 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
જૈન ધર્મના ચારેય ફિરકાઓના જે જૈનો પાલિતાણા સુધીની યાત્રા ન કરી શકે તેમના માટે વિરાર નજીક શિરસાડ સ્થિત મહાવીરધામ ખાતે શ્રી શત્રુંજય પટ્ટનાં દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પાંચમી નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાના અવસરે વહેલી સવારે ૭ વાગ્યાથી આખા દિવસ દરમ્યાન શ્રી શત્રુંજયપટ્ટનાં દર્શનનો લાભ લઈ શકાશે.
મહાવીરધામના ટ્રસ્ટી સુરેન્દ્ર કે. શાહે આપેલી માહિતી મુજબ પાલિતાણા ન પહોંચી શકે એવા ભાવિકો માટે નિરંતર પ્રભુભક્તિનાં અનુષ્ઠાનોથી ગાજતા અને ગુંજતા મહાવીરધામ તીર્થ ખાતે પાંચમી નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાના પાવન દિવસે શ્રી શત્રુજય પટ્ટનાં દર્શનની સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા તમામ ભાવિકોને વલ્લભીપુર નિવાસી માતુશ્રી વિમળાબહેન પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી પરિવાર તરફથી ભાતું પણ આપવામાં આવશે.
ભગવાન મહાવીરના આયુષ્ય સમાન ૭૨ સ્તંભ પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રાયઃ પહેલી જ વખત વિશાળ કલાત્મક કોતરણીયુક્ત સંગેમરમરના પાષાણો દ્વારા નિર્મિત પાવાપુરી જલમંદિરનાં દર્શનનો લાભ પણ મળશે.