17 September, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-નાશિક હાઇવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મુંબઈ-નાશિક હાઇવે પર થાણે જિલ્લાના આટગાવ નજીક બુધવારે બપોરે એક પૂરપાટ જતી કાર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૪ સભ્યોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં એક વર્ષ અને ૮ વર્ષનાં એમ બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો આ પરિવાર નાશિક જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરથી દર્શન કરીને કારમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ હાઇવે પર છેલ્લાં બે વર્ષથી એક બળેલી અને બિનવારસી હાલતમાં પડેલી ટ્રક ઊભી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સીધી આ ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતમાં બે બાળકો સહિત પરિવારના ૪ સભ્યોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય ૬ મુસાફરોને તાત્કાલિક સ્થાનિક લોકો અને પોલીસની મદદથી શહાપુર સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધીને વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
જોગેશ્વરીનો જાયસવાલ પરિવાર મંગળવારે રાતે યંબકેશ્વર જવા નીકળ્યો હતો
મુંબઈના જોગેશ્વરીના રહેવાસી જાયસવાલ પરિવારે મંગળવારે મધરાતે ૧૨.૩૦ વાગ્યે યંબકેશ્વરની યાત્રા શરૂ કરી હતી. યંબકેશ્વર પહોંચ્યા બાદ સવારે ૯.૦૦ વાગ્યે પરિવારે પૂજા કરી હતી. ત્યાર બાદ તેઓ કારમાં મુંબઈ પરત ફરવા નીકળ્યા હતા. કારમાં કુલ ૧૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં તેઓ જમવા માટે રોકાયા હતા. એ પછી આટગાવ નજીક કાર રસ્તાથી ૧૦થી ૧૫ ફુટ દૂર ઊભેલી એક ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની એક બસમાં ટેક્નિકલ ખામી સર્જાતાં અે પલટી મારી ગઈ હતી જેમાં સ્કૂલ જઈ રહેલા ૪ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પુણે જિલ્લાના દૌંડ અને સુપે વચ્ચે આવેલા ઘાટ માર્ગ પર બુધવારે સવારે બની હતી. બસ જ્યારે ઘાટ વિસ્તારના ચડાણ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનમાં ટેક્નિકલ ખામી ઉદ્ભવી હતી. બસ આગળ વધવાને બદલે રિવર્સમાં સરકવા માંડી હતી જેના પગલે ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતાં બસ રસ્તાની બાજુમાં પડી ગઈ હતી. દુર્ઘટના સમયે બસમાં ૩૦થી વધુ મુસાફરો સવાર હતા જેમાં મોટા ભાગની સંખ્યા સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓની હતી. આ અકસ્માતમાં ૪ બાળકોને ઈજા પહોંચી છે. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી ટેક્નિકલ ખામીનાં ચોક્કસ કારણો જાણવા વિશે તપાસ શરૂ કરી છે.