15 May, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદન ગુઢકા
૩૮ વર્ષ પહેલાં જે ફોબિયાને કારણે બે વાર મૅથ્સની એક્ઝામમાં ફેલ થયાં હતાં એ ફોબિયામાંથી હિંમતપૂર્વક બહાર આવીને ‘ડર કે આગે જીત હૈ’ સ્લોગન યથાર્થ ઠેરવ્યું છે ૫૩ વર્ષનાં ચંદન ગુઢકાએ. મુલુંડ-વેસ્ટમાં રહેતાં દાદરની એમ. એન. એચ. હાઈ સ્કૂલનાં આ વિદ્યાર્થિનીએ ૩૮ વર્ષ બાદ મૅથ્સની એક્ઝામ આપી અને ૭૦ માર્ક્સ સાથે પાસ થયાં છે. મૂળ ૧૯૮૬-’૮૭ના બૅચનાં વિદ્યાર્થિની ચંદનબહેને એ સમયે બાકી સબ્જેક્ટમાં કુલ ૩૮ ટકા મેળવ્યા હતા, પરંતુ મૅથ્સનો અને એક્ઝામનો તેમને ખૂબ ડર લાગતો હતો જેને કારણે તેઓ મૅથ્સમાં પાસ નહોતાં થઈ શક્યાં. ત્યાર બાદ રીએક્ઝામમાં પણ તેઓ ફેલ થયાં. નાની ઉંમરે લગ્ન થઈ ગયાં અને ટેન્થ પાસ કરવાનું તેમનું સપનું પારિવારિક જવાબદારીઓમાં ક્યાંક ખોવાઈ ગયું.
ચંદનબહેને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જ્યારે પાસપોર્ટ ઑફિસમાં ગઈ ત્યારે શૈક્ષણિક લાયકાતની કૉલમમાં નવમું પાસ લખાયું એ મને બહુ ખૂંચ્યું. ક્યારેય કોઈ પણ કામ માટે કે નાનો એવો કોર્સ કરવો હોય તો પણ SSC પાસ તો જોઈએ જ. મને થયું આટલી સામાન્ય લાયકાત મારી પાસે ન હોય એ કેમ ચાલે? અને ઘણાં વર્ષથી જે મનમાં ચાલતું હતું એ આ વર્ષે પાર કરી જ લેવું એવો નિર્ણય લીધો.’
નિર્ણય તો લેવાઈ ગયો, પણ આટલાં વર્ષે ફરી મૅથ્સનાં સૂત્રો અને દાખલાઓ ગણવા સહેલા નહોતા. એમાં પણ ગુજરાતી ટીચર મળવા મુશ્કેલ અને પહેલાંનો એક્ઝામ-ફોબિયા તો હજી પણ ખરો જ. દીકરા, વહુ અને પતિએ તો નિર્ણયને ઉત્સાહથી વધાવ્યો, પણ આટલાં વર્ષે ફરી ભણીને શું કરશો એવું પૂછનારા પણ હતા. આ બધી જ મૂંઝવણોમાંથી બહાર લાવીને ‘તું કરી જ શકે છે’ એવો વિશ્વાસ આપ્યો ચંદનબહેનની સ્કૂલની બહેનપણી નીલા શાહે. તેમણે દર વીક-એન્ડમાં ચંદનબહેનને ઑનલાઇન ભણાવવાનું શરૂ કર્યું. ઘરનું બધું કામ પુત્રવધૂ ઋચાએ સાચવી લીધું. ઋચાએ બહુ ગર્વ સાથે કહ્યું હતું કે ‘મમ્મી આટલાં વર્ષે પરીક્ષા આપે છે એ બહુ હિંમતનું કામ છે. તેમનાથી નાના સ્ટુડન્ટ્સ સાથે બેસીને પેપર લખવું એ બહુ મોટી વાત છે. જોકે મમ્મીનો સ્વભાવ જ જૉલી છે અને મૉડર્ન થિન્કિંગથી તેઓ બધી નવી વસ્તુઓને અપનાવે છે. એટલે આ પણ તેમણે સરળતાથી કરી બતાવ્યું. તેઓ બેસ્ટ મધર-ઇન-લૉ છે.’
ચંદનબહેન જ્યારે એક્ઝામ આપવા ગયાં ત્યારે બહુ જ ઉત્સાહી હતાં અને ક્લાસરૂમમાં પહોંચતાં જ તેમને જોઈને સ્ટુડન્ટ્સ ટીચર સમજી ઊભા થઈ ગયા હતા, પણ જ્યારે તે બેન્ચ પર બેઠાં તો સ્ટુડન્ટ નવાઈથી તેમને જોવા લાગ્યા હતા.
ચંદનબહેને જણાવ્યું હતું કે એક્ઝામ પહેલાંનો એક મહિનો તેમને દીપા દેઢિયાએ ભણાવ્યાં જે એક બ્યુટિશ્યન છે, ચંદનબહેનને રિવિઝન માટે જરૂર હોવાથી તેમણે ખૂબ મદદ કરી હતી.
ચંદનબહેનના પતિ રાજુભાઈનો ટેક્સ્ટાઇલનો બિઝનેસ છે. તેમણે ચંદનબહેનની સફળતા બિરદાવતાં જણાવ્યું હતું કે ‘SSC પાસ કરીને સર્ટિફિકેટ મેળવવું તેનું સપનું હતું; તેણે હિંમત કરી, મહેનત કરી અને અચીવ કર્યું. અમને ખૂબ ગર્વ છે આ વાતનો.’
ચંદનબહેનને હજી આગળ પણ ભણવાની ઇચ્છા છે, પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું હોવાથી હજી અન્ય વિકલ્પો પર વિચાર કરીને આગળ વધશે એમ જણાવ્યું હતું.