આરેમાં મેટ્રો કારશેડના કામને રોકશો તો ખર્ચ-દેવું વધી જશે

22 July, 2022 03:28 PM IST  |  Mumbai | Dharmendra Jore

મેટ્રો ૩ના કારશેડનું કામ આરે કૉલોનીમાં શરૂ કરવાને લીલી ઝંડી આપવા સાથે એકનાથ શિંદેએ ઉચ્ચારી ચેતવણી

રાજભવન પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ

આરેમાં મેટ્રો-૩ના કારશેડના બાંધકામનું કામ ફરી શરૂ થશે એવી જાહેરાત કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ઉમેર્યું હતું કે સરકારે ફરીથી કામ શરૂ કરવાની પરવાનગી આપી છે. દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના એ આક્ષેપોને ફગાવી દીધા હતા કે કારશેડને કારણે મીઠી નદીમાં પૂર આવી શકે છે.

અગાઉની સરકારે આરેમાં ઈકો-સિસ્ટમને ખલેલ પહોંચાડવા બદલ ઊઠેલા વિરોધને પગલે કારશેડની જગ્યાને કાંજુરમાર્ગમાં ખસેડી હતી. પર્યાવરણવિદો અને સ્થાનિક રહેવાસીઓએ નવી સરકારે શપથવિધિ બાદ તરત જ કારશેડને આરેમાં ખસેડવાની કરેલી જાહેરાત સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

ઍક્ટિવિસ્ટોને અપીલ કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ    ગઈ કાલે કહ્યું હતું કે ‘કારશેડના સ્થળે પુન: બાંધકામ શરૂ કરવામાં આવશે. કારશેડના કામમાં વધુ વિલંબ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટના ખર્ચમાં વધારો કરશે જે આંતરરાષ્ટ્રીય દેવાને પણ ઊંચું લઈ જશે. આ વધારાનો બોજ રાજ્યના અન્ય પ્રોજેક્ટ પર પણ અસર કરી શકે છે. અમે નિર્ણય લેતાં પહેલાં તમામ પાસાંઓનો વિચાર કર્યો છે.’

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી છે અને જો એમ છતાં પણ એને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો તેમના ઇરાદા સારા નથી. 

mumbai mumbai news aarey colony mumbai metro eknath shinde shiv sena devendra fadnavis