નાશિકમાં ગેરકાયદે દરગાહના ડિમોલિશન વખતે પોલીસ પર પથ્થરમારો, ૨૧ પોલીસ-કર્મચારી ઘાયલ

17 April, 2025 02:40 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

આ પથ્થરમારામાં ૨૧ પોલીસ-કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા

ગઈ કાલે નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશને ગેરકાયદે દરગાહ તોડી પાડી હતી.

નાશિકમાં કાઠે ગલ્લીમાં ગેરકાયદે બનાવવામાં આવેલી સતપીર દરગાહને હાઈ કોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યા બાદ ટ્રસ્ટીઓ દ્વારા એ મંગળવારે રાતે તોડવામાં આવી રહી હતી ત્યારે મુસ્લિમોના ટોળાએ એનો વિરોધ કર્યો હતો અને મુસ્લિમ નેતાઓ તથા પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ થઈ ગયું હતું. આ પથ્થરમારામાં ૨૧ પોલીસ-કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ત્યાર બાદ ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસના શેલ્સ પણ ફોડ્યા હતા. આ ઘટના સંદર્ભે નાશિક પોલીસે ૧૫ જેટલા તોફાનીઓને તાબામાં લીધા હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી. એ પછી ગઈ કાલે સવારે ૬ વાગ્યે ગેરકાયદે દરગાહ નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશને (NMC) તોડી પાડી હતી. 
નાશિકના પોલીસ-કમિશનર સંદીપ કર્ણિકે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હાઈ કોર્ટે આપેલા આદેશના આધારે સતપીર દરગાહના ટ્રસ્ટીઓએ મંગળવારે રાતે દરગાહનું સ્ટ્રક્ચર    હટાવવાનું ચાલુ કર્યું હતું. એ વખતે એ બાબતે વિરોધ કરવા મોટું ટોળું જમા થઈ ગયું હતું. તેમણે પોલીસ અને શાંતિ જાળવવાની અપીલ કરી રહેલા મુસ્લિમ લીડરો પર પણ પથ્થરમારો કર્યો હતો. એથી પોલીસે એ ટોળાને વિખેરવા ટિયરગૅસના શેલ્સ ફોડ્યા હતા. એ પછી લાઠીચાર્જ પણ કર્યો હતો ત્યારે પરિસ્થિતિ થાળે પડી હતી. તેમણે કરેલા વિરોધ-પ્રદર્શનમાં પોલીસનાં ત્રણ વાહનોને નુકસાન થયું હતું અને ૨૧ પોલીસ-કર્મચારીઓ આ ઘટનામાં ઘાયલ થયા હતા. એ પછી ગઈ કાલે સવારે દરગાહ તોડી પાડવામાં આવી હતી અને તોફાનીઓ સામે ગુનો નોંધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FRI) નોંધવામાં આવ્યો હતો. ૧૫ જેટલા તોફાનીઓને તાબામાં લેવાયા હતા અને તોફાનીઓનાં ૫૭ જેટલાં ટૂ-વ્હીલર પણ તાબામાં લેવાયાં હતાં.’

mumbai news mumbai nashik Crime News