ભયંકર ઍક્સિડન્ટ કરીને એક જણને ગંભીર રીતે ઘાયલ કર્યા પછી પણ ત્રણ યુવાનોનું શૉકિંગ વર્તન

14 September, 2025 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા ડ્રાઇવર અને તેની ફ્રેન્ડ એમ ઊભાં રહ્યાં જાણે કંઈ બન્યું જ નથી, તેમનો ફ્રેન્ડ ભેગા થયેલા લોકો વચ્ચેથી સરકીને રિક્ષામાં પલાયન થઈ ગયો

તૂટી ગયેલી ફુટપાથ અને નુકસાન પામેલી કાર, અકસ્માત પછી અનિકેત બનસોડે રિક્ષા પકડીને ભાગી ગયો.

ઘાટકોપરમાં ગઈ કાલે વહેલી સવારે બનેલી આ ઘટનામાં પોલીસે કાર ચલાવતી ભાવિકા દામા અને તેની ફ્રેન્ડ કોરમ ભાનુશાલીને તાબામાં લઈને નોટિસ આપીને જવા દીધી; તેમનો મિત્ર અનિકેત બનસોડે ફરાર : ભાવિકા દામા પર અન્ય ગુના સાથે નશો કરીને ડ્રાઇવિંગ કરવાનો પણ ગુનો નોંધ્યો

ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર BMCના પાણી ખાતા નજીક આવેલી પંજાબ નૅશનલ બૅન્કની બાજુની દુકાન પાસે ગઈ કાલે સવારે ભયંકર કાર-ઍક્સિડન્ટ થયો હતો. સવારે ૬.૧૫ વાગ્યે ફુલ સ્પીડમાં કુર્લા તરફ જઈ રહેલી કારના સ્ટીઅરિંગ વ્હીલ પરથી એક યુવતીએ કાબૂ ગુમાવતાં કાર ફુટપાથ પરની રેલિંગ તોડીને એક દુકાનનાં પગથિયાં પર ચડી ગઈ હતી. ગુજરાતનું રજિસ્ટ્રેશન ધરાવતી આ કારમાં મહિલા ડ્રાઇવર સાથે હજી એક યુવતી અને એક યુવક હતાં. જોકે ત્રણેય જણમાંથી કોઈને ઘસરકો પણ થયો નહોતો, પણ આ અકસ્માતમાં આગળથી કારના ભુક્કા બોલી ગયા હતા અને ફુટપાથ પર સૂતેલી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં લઈ જવાયો હતો. નવાઈની વાત એ હતી કે આ બનાવ પછી બન્ને યુવતીઓ ઘટનાસ્થળે જ ઊભી રહી હતી, પણ તેમની સાથે કારમાં પાછળ બેસેલો યુવાન ભેગા થયેલા લોકોની વચ્ચેથી સરકીને રિક્ષા પકડીને જતો રહ્યો હતો.

ઘાટકોપર પોલીસે આ બનાવ પછી કાર ચલાવી રહેલી યુવતીને અને તેની ફ્રેન્ડને અટકાયતમાં લીધી છે અને કાર જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના વખતે બન્ને યુવતીઓ દારૂના નશામાં હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત થયો એ સમયે ઘાટકોપર-ઈસ્ટની ભાનુશાલીવાડીમાં રહેતી ભાવિકા દામા તેની ૩૦ વર્ષની ફ્રેન્ડ કોરમ ભાનુશાલીને ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા મૂકવા જઈ રહી હતી.

લોકો તમાશો જોતા રહ્યા

આ બનાવને નજરે જોનાર એક ગુજરાતી યુવકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલો ગંભીર અકસ્માત બન્યા પછી પણ ત્રણેયમાંથી એકેય જણના ચહેરા પર કોઈ પ્રકારનું ટેન્શન જોવા નહોતું મળ્યું. યુવતીઓ સાથે કારમાં પાછળ બેઠેલો અનિકેત બનસોડે તેના પૅન્ટ પર લાગેલી ધૂળ ખંખેરીને યુવતીઓની મદદથી ભેગા થયેલા લોકો વચ્ચેથી રિક્ષા પકડીને જતો રહ્યો હતો. ઈજાગ્રસ્તને મદદ કરવાની કે યુવકને પકડવાની લોકોમાંથી કોઈએ હિંમત નહોતી કરી. લોકો જાણે ફિલ્મનું શૂટિંગ જોતા હોય એ રીતે તમાશો જોતા ઊભા હતા. ત્યાર બાદ પોલીસે ઈજાગ્રસ્તને રાજાવાડી હૉસ્પિટલમાં મોકલ્યો હતો.’

CCTV ફુટેજમાં કેદ

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આખો બનાવ નજીકના CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો. અકસ્માતનાં CCTV કૅમેરાનાં ફુટેજ ઇન્ટરનેટ પર આવ્યાં છે જેમાં અકસ્માતની દરેક ક્ષણ કેદ થઈ છે. સ્પીડમાં આવતી કિયા કંપનીની સેલ્ટોઝ કાર (નંબર GJ 15 CK 4411) પહેલાં ડિવાઇડર સાથે અથડાઈ અને પછી રેલિંગ તોડીને દુકાનનાં પગથિયાં સાથે અથડાઈ હતી. આ ફુટેજમાં ફૂટપાથ પર સૂતેલો ઘાયલ યુવક પણ જોવા મળે છે. બીજી તસવીરોમાં અકસ્માત પછીની સ્થિતિ અને સ્થાનિક લોકો દ્વારા ઘેરાયેલી અકસ્માતગ્રસ્ત કાર નજર પડે છે. બન્ને યુવતીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાઈ હતી.’

યુવતી સામે ગુનો દાખલ

આ બનાવમાં અમે ભાવિકા અને ફોરમને અટકાયતમાં લીધી છે એવું જણાવતાં પૂર્વીય ઉપનગરના ઍડિશનલ પોલીસ-કમિશનર મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર ડ્રાઇવ કરી રહેલી ભાવિકા દામા સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને વ્યક્તિના જીવને જોખમમાં મૂકવા બદલ, દારૂના પ્રભાવ હેઠળ વાહન ચલાવવા બદલ અને ખતરનાક ડ્રાઇવિંગ જેવાં કૃત્ય કરવા બદલની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે તેમની સાથે કારમાં પાછળ બેસેલા અનિકેત બનસોડેને પોલીસ શોધી રહી છે.’

mumbai news mumbai ghatkopar road accident mumbai police Crime News mumbai crime news