ઍર-પૉલ્યુશન નાથવા હવે વૉર્ડ-લેવલે આવશે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર તવાઈ

30 January, 2025 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કન્સ્ટ્રક્શન સાઇટ પર ઍર-પૉલ્યુશનના નિયમોનું પાલન ન થતું હોય એના પર સખત પગલાં લેવામાં આવશે

બીએમસીની પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં વધતા જતા ઍર-પૉલ્યુશનને સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને આડેહાથે લેતાં હવે BMCએ આ બાબતે જલદ પગલાં લેવાનું ચાલુ કર્યું છે. હવે વૉર્ડ-લેવલ પર આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઍર-પૉલ્યુશનના નિયમોનું પાલન ન થતું હોય એના પર સખત પગલાં લેવામાં આવે.  

BMCના ઍડિશનલ કમિશનર અ​શ્વિની જોશીએ આ સંદર્ભે ગઈ કાલે દરેક વૉર્ડના વૉર્ડ-ઑફિસર સાથે બેઠક કરી હતી. તેમણે સૂચના આપતાં કહ્યું હતું કે ‘તમારા વૉર્ડની દરેક કન્સ્ટ્રક્શન સાઇટ પર નજર રાખો, ઍર-પૉલ્યુશન કન્ટ્રોલ કરવા ગ્રીન કપડાથી એ કવર કરવું, પાણીનો છંટકાવ કરવો અને મિસ્ટ મશીન વાપરવા જેવી બાબતોનો અમલ થાય છે કે નહીં એના પર ધ્યાન આપો. જે કોઇ સાઇટ પર નિયમોનો ભંગ થતો દેખાય તો તેમને વૉર્નિંગ આપો, એ પછી પણ જો નિયમોનો ભંગ થતો હોય તો તેમની સામે કડક હાથે કામ લો.’

એ સિવાય હવે મ્હાડાને પણ કહેવામાં આવ્યું છે કે જો તેમના દ્વારા કોઈ મકાનનું ડિમોલિશન કરાતું હોય તો સૉલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કોઑર્ડિનેટ કરીને એનો વ્યવસ્થિત અને સમયસર નિકાલ કરવામાં આવે. 

mumbai news mumbai air pollution brihanmumbai municipal corporation mumbai suburbs