સરકારના આદેશનું પાલન ન કરતી દુકાનો વિરુદ્ધ સુધરાઈની કડક કાર્યવાહી

31 July, 2021 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને બે દિવસમાં એક દુકાન સીલ કરી અને અન્ય છ દુકાનોને ફાઇન કર્યો

ડોમ્બિવલીમાં આવેલી વાઇન શૉપને સીલ મારી રહેલો કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાનો કર્મચારી.

રાજ્ય સરકારના નિયમ અનુસાર દુકાનોને માત્ર ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી છે. અનેક વિસ્તારોમાં એનો અમલ થતો જોવા ન મળતાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને બે દિવસમાં એક દુકાન સીલ કરી હતી અને અન્ય છ દુકાનોને કુલ ૩૦,૦૦૦ રૂપિયાનો ફાઇન કર્યો હતો. જો વેપારીઓ હજી આદેશનું પાલન નહીં કરે તો થોડા દિવસમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ કેડીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.
ડોમ્બિવલી વેસ્ટ અને ઈસ્ટમાં સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનોએ રાજ્ય સરકારના આદેશનું પાલન ન કરતાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગુરુવારે અને ગઈ કાલે કાર્યવાહી કરીને છ દુકાનોને ફાઇન કરવામાં આવ્યો હતો. ઉપરાંત અલ્ટિમેટમ આપ્યા બાદ પણ ન માનવા બદલ એક વાઇન શૉપ સીલ કરવામાં આવી હતી. ડોમ્બિવલીના ફડકે રોડ અને નેહરુ રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં પૅરિસ ફર્નિચર, ગણેશ ટી અને કૉફી, જય માતાજી રેડીમેડ સ્ટોર, મમ્માસ ગુલશન જૂસ સેન્ટર સાથે અન્ય બે દુકાનોને દુકાનદીઠ પાંચ-પાંચ હજાર રૂપિયાનો ફાઇન કરવામાં આવ્યો હતો અને ડિલક્સ વાઇન શૉપ સીલ કરવામાં આવી હતી.
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ‘એફ’ વૉર્ડના વૉર્ડ ઑફિસર ભરત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુકાનોએ રાજ્ય સરકારના આદેશનું પાલન ન કરતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જો દુકાનદારો આ આદેશનું પાલન હજી પણ નહીં કરે તો કાર્યવાહી વધુ કડક કરવામાં આવશે.’

Mumbai mumbai news