ઑમિક્રૉનના ભયે માસ્ક ન પહેરતા લોકો સામે લેવાઈ રહ્યાં છે આકરાં પગલાં

29 November, 2021 10:37 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટની ચિંતા વચ્ચે બીએમસીએ માસ્ક ન પહેરનારા લોકો સામેની એની કાર્યવાહી સખત બનાવવાનો નિર્ણય કર્યો

ટિળકનગર રેલવે સ્ટેશન પાસે ૮ સપ્ટેમ્બરે એક ક્લીનઅપ માર્શલે ઑટોમાં એકલા પ્રવાસીને દંડ કર્યો હતો. સૈયદ સમીર અબેદી

કેટલાક દેશોમાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનની ચિંતા વચ્ચે બીએમસીએ માસ્ક ન પહેરનારા લોકો સામેની એની કાર્યવાહી સખત બનાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ બીએમસી રોજ લગભગ ૫૦૦૦ લોકોને દંડ ફટકારતી હતી, જે માર્ચ-એપ્રિલમાં ફેલાયેલી કોવિડ-19ની બીજી લહેર વખતે સરેરાશ ૨૦,૦૦૦ લોકોની તુલનાએ ઘણો નાનો આંકડો હતો. 
શહેરમાં જનજીવન સામાન્ય થવા માંડતા તેમ જ નવા કેસનું પ્રમાણ નોંધપાત્ર રીતે નીચું જતાં અનેક લોકોએ તકેદારી લેવાની ઓછી કરી દીધી હતી. હવે શહેરમાં બીક સામાન્ય થતી જાય છે. અનેક લોકો માસ્ક પહેરવાની દરકાર નથી કરતા તો ઘણા માસ્કને દાઢી પર લગાવી રાખે છે. આ ઉપરાંત પોલીસ અને અધિકારી વર્ગ પણ આવા લોકો સામે પગલાં લેવામાં બેદરકાર રહેવા લાગ્યા હતા. 
તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો બીએમસી રોજ ૫૦૦૦ લોકોને દંડ કરે છે, પોલીસો લગભગ ૧૦૦૦ લોકોને પકડે છે. મહામારીની શરૂઆતમાં બીએમસી અને પોલીસે ૩૯.૦૮ લાખ મુલાકાતીઓ પાસેથી ૭૮.૫૬ કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતા. નવા વેરિઅન્ટના આગમન સાથે બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે લોકો પાસે જાહેર સ્થળોએ માસ્ક પહેરવા ફરજિયાત, સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન જેવી કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. હજી કોવિડ સંપૂર્ણપણે ગયો નથી અને લોકો બેદરકારીથી બિન્દાસ ફરી રહ્યા છે એમ જણાવતાં તેમણે નિયમોનું પાલન ન કરનારાઓ સામે સખત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. માસ્ક ન પહેરનારાઓ પર આઇપીસી સેક્શન ૧૮૮ હેઠળ ક્લીનઅપ માર્શલ દ્વારા ૨૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ છે. 

Mumbai mumbai news prajakta kasale