09 October, 2026 08:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલ્હીમાં ૨૩,૦૦૦ સુરક્ષાકર્મીઓ તહેનાત
પૂર્વ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સંસ્થા CJPએ ૧૦ ઑક્ટોબરે દિલ્હીમાં વધુ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ અગાઉ, `ઇન્ડિયા` (INDIA) ગઠબંધને પણ છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીમાં વિવિધ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ આંદોલનને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.
વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે, કેન્દ્ર અને દિલ્હી સરકારો સંયુક્ત રીતે લગભગ ૨૩,૦૦૦ સુરક્ષાકર્મીઓને તહેનાત કરી રહી છે. સરકાર ૮ ઑક્ટોબરથી જ આ માટે તૈયારીઓ કરી રહ્યું છે. અર્ધલશ્કરી દળોની મહિલા જવાનો સહિત વધારાના સુરક્ષાકર્મીઓને બોલાવવામાં આવ્યા છે. દિલ્હીમાં હાલમાં ૫,૦૦૦ પોલીસકર્મીઓ તહેનાત છે, પરંતુ જરૂર પડ્યે આ સંખ્યા વધારીને ૧૫,૦૦૦ કરવામાં આવી શકે છે. દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શનકારીઓની અવરજવર પર નજર રાખવા માટે ૩૭ સ્થળોએ બૅરિકેડ્સ લગાવ્યા છે. દિલ્હીના દરેક જિલ્લામાં એક સર્વેલન્સ સૅન્ટર (નિરીક્ષણ કેન્દ્ર) સ્થાપવામાં આવ્યું છે; આ કેન્દ્રોનો ઉપયોગ પ્રદર્શનકારીઓને જંતર-મંતર પહોંચતા રોકવા માટે કરવામાં આવશે. પોલીસે CJP કે અન્ય સંસ્થાઓને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી.
પ્રદર્શનકારીઓને દિલ્હી પહોંચતા રોકવા માટે મેટ્રો સ્ટેશનો, રેલવે સેવાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર ખરેખ રાખવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ૫૭ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસે દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશનને રાજીવ ચોક, નવી દિલ્હી, સૅન્ટ્રલ સચિવાલય, જનપથ, મંડી હાઉસ, ITO, પટેલ ચોક, દિલ્હી ગેટ, કાશ્મીરી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, લાજપત નગર અને હૌઝ ખાસ જેવા મુખ્ય મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ કરવા વિનંતી કરી છે. જોકે, આ વિનંતી અંગે મેટ્રો વહીવટીતંત્રની પ્રતિક્રિયા વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. રેલવેએ નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન આવતી કેટલીક ટ્રેનો રદ કરવાનો આદેશ આપ્યો છે. આ રદ થયેલી ટ્રેનોને કારણે મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અભિજીત દીપકેએ આ પગલાંઓ અંગે સરકારની ટીકા કરી છે. તેણે ટિપ્પણી કરી હતી કે, "આ બધું બંધ કરવાને બદલે, સરકારે આખો દેશ જ બંધ કરી દેવો જોઈએ." સંભવિત વિરોધ પ્રદર્શનકારીઓને એકત્ર થતા રોકવા માટે પોલીસ તેમના ઘરે જઈ રહી છે; તેમને અટકાયતમાં લેવામાં આવે અથવા નજરકેદ કરવામાં આવે તેવી શક્યતા છે. દારૂની દુકાનોને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, હૉટેલ્સ, ગેસ્ટ હાઉસ અને પેઈંગ ગેસ્ટ (PG) રહેઠાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ આંદોલનને કારણે ઇન્ટરનેટ અને કૅબ સેવાઓ પણ પ્રભાવિત થવાની શક્યતા છે.