જો ફરીથી લૉકડાઉન ન કરવા માગતા હો તો નિયંત્રણોનું સખતાઈથી કરો પાલન

29 November, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેએ ઉચ્ચારી ચીમકી : ઑમિક્રૉનના સંભવિત જોખમ સામે રાજ્ય સરકાર અલર્ટ ઃ કોરોનાની ત્રીજી લહેર આવે તો સામનો કરવાની તૈયારી કરવાના નિર્દેશ પ્રશાસનને આપ્યા

ઉદ્ધવ ઠાકરે

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનને ફેલાતો રોકવા માટે જે-જે જરૂરી છે એ બધું કરો, કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોયા વિના તાત્કાલિક કામે લાગો જેવા નિર્દેશ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રશાસનને આપ્યા હતા. ફરી લૉકડાઉન લાગુ ન કરવા માગતા હો તો આરોગ્યના નિયમો પાળવા જ પડશે એવો ઇશારો તેમણે આપ્યો હતો. કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનના સંભવિત નવા જોખમને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે અર્જન્ટ બેઠક બોલાવી હતી. એમાં આરોગ્યપ્રધાન રાજેશ ટોપે, આરોગ્યસચિવ સહિત રાજ્યના તમામ કલેક્ટરો હાજર રહ્યા હતા. આ બાબતે મુખ્ય પ્રધાને આજે પ્રધાનમંડળની પણ અર્જન્ટ બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. 
૧ ડિસેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે પહેલેથી લઈ લીધો છે. હવે ઑમિક્રૉન વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને સ્કૂલો શરૂ કરવી યોગ્ય છે કે નહીં એના પર મુખ્ય પ્રધાનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સ્કૂલો ખોલવા સામે કેટલાક પડકાર હોવા વિશે સૌએ વિચાર રજૂ કર્યા હતા. જોકે સ્કૂલો ખોલવી કે ન ખોલવી એ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો.
આ બેઠકમાં રાજ્યમાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો એની સમીક્ષા કરવા માટે હૉસ્પિટલોના બેડ, મેડિસિન, ઑક્સિજનની તૈયારી કરવાની સૂચના મુખ્ય પ્રધાને આપી હતી. વૅક્સિનેશન બાબતના અપાયેલા ટાર્ગેટ અને ચાલી રહેલા આ કાર્યક્રમને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો કેટલી અસર પહોંચી શકે છે એના પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

Mumbai mumbai news uddhav thackeray