છત્રપતિ શિવાજી મહારાજ બદલ વિવાદાસ્પદ નિવેદન કરનારા બાગેશ્વર બાબાની આકરી ટીકા

26 April, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે કહ્યું કે શિવાજી મહારાજે રામદાસસ્વામીને કહ્યું હતું કે હું હવે બહુ થાકી ગયો છું, મારાથી યુદ્ધ નથી થતું, હું થોડો વખત વિશ્રામ કરવા માગું છું, રાજ્ય તમે સંભાળો : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઇતિહાસમાં આવો ઉલ્લેખ ક્યાંય નથી

બાબા બાગેશ્વર

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શુક્રવારે નાગપુરમાં નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં ડૉ. આબાજી થત્તે સેવા અને અનુસંધાન સંસ્થા વતી ભારત દુર્ગા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં લોકોને સંબોધતાં છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભે વિવાદાસ્પદ નિવેદન કરીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો હતો. એટલું જ નહીં, તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) દેશ પર જ્યારે સંકટ આવે છે ત્યારે મદદ કરવા સૌથી આગળ હોય છે એટલે ૪ બાળકો પેદા કરો અને એમાંથી એક બાળકને RSS પાસે દેશસેવા માટે મોકલો. તેમના આવા નિવેદનને લઈને અનેક લોકોનાં ભવાં વંકાયાં છે. 

ધીરેન્દ્ર કૃષ્ણ બ્રહ્મચારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે બોલતાં કહ્યું હતું કે ‘છત્રપતિ વીર શિવાજી મહારાજ જ્યારે યુદ્ધ કરતાં-કરતાં બહુ થાકી ગયા, તેમને જ્યારે લાગ્યું કે તે બહુ થાકી ગયા છે યુદ્ધ કરી-કરીને ત્યારે સ્વામી રામદાસ પાસે ગયા અને તેમનો મુગટ ઉતારીને કહ્યું કે મેં બહુ લડાઈ લડી, બહુ યુદ્ધ કર્યાં; હવે કૃપા કરો, મારે હવે બહુ લડવું નથી; હવે દયા કરો, આ મુગટ સંભાળો, આ રાજપાટ તમે સંભાળો; તમારી આજ્ઞાથી જ હું આગળ ચાલ્યો, હવે મારાથી ચલાતું નથી, હવે મારાથી યુદ્ધ નથી થતું; હવે હું બહુ થાકી ગયો છું, હું કેટલાક દિવસ વિશ્રામ કરવા માગું છું. ત્યારે રામદાસસ્વામીએ સ્મિત કરતાં કહ્યું કે ઠીક છે, મને સ્વીકાર છે; પણ તમે મારા કોણ છો? શિવાજીએ કહ્યું કે હું તમારો શિષ્ય છું. હું કોણ છું? તો કહે મારા ગુરુ છો. પછી રામદાસસ્વામીએ પૂછ્યું, શિષ્યનું કર્તવ્ય શું છે? શિવાજી કહે, ગુરુની આજ્ઞાનું પાલન કરવું. એ પછી રામદાસસ્વામીએ મુગટ ઉપાડીને શિવાજીના માથા પર મૂકતાં કહ્યું, આજથી મારું રાજ્ય છે, હું ચલાવીશ; પણ આજ્ઞા તમને છે કે તમે એનું સંચાલન કરો.’ 

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ નિવેદન સામે NCPના વિધાનસભ્ય અમોલ મિટકરી, NCP (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર, કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ઢોંગી બાબા કહીને તેમણે તેમના આ નિવેદનને ઇતિહાસ સાથે ચેડાં સમાન ગણાવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રીના ઉપરોક્ત વિવાદસ્પદ વિધાનને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઇતિહાસમાં આ પ્રકારનો કોઈ પણ દાખલો જોવા મળતો નથી. મહાપુરુષો બદલ અનેક લોકકથાઓ બનતી હોય છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પ્રકારની લોકકથાઓ હોય છે. જે ઇતિહાસ આપણે શીખ્યા છીએ કે પછી જે કોઈ ગ્રંથો અહીં ઉપલબ્ધ છે એમાં ક્યાંય આવો ઉલ્લેખ નથી.’

લોકો જ્યારે આપદા વખતે પ્રાણ બચાવીને ભાગે છે ત્યારે RSS પ્રાણ બચાવવા દોડે છે : પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંચ પરથી લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘પૂરા ભારતમાં ક્યાંય પણ આપદા આવે છે તો લોકો પ્રાણ બચાવીને દોડતા હોય છે, જ્યારે RSSના કાર્યકરો પ્રાણ બચાવવા નથી ભાગતા પણ ત્યાં જઈને પ્રાણ બચાવે છે. આ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. અમે પૂરા રાષ્ટ્રને પ્રાર્થના કરીશું કે બાળકો તો ચાર પેદા કરો, પણ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપો જેથી તે બીજાને બચાવવાના કામમાં આવી શકે.’ 

mumbai news mumbai rashtriya swayamsevak sangh nationalist congress party political news dhirendra shastri bageshwar baba shivaji maharaj