✕

ઘાટકોપરમાં BMCની સ્કૂલના વિદ્યાર્થીને ચપ્પુ બતાવીને ગળામાં ઇન્જેક્શન માર્યું

07 October, 2026 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગંભીર હાલતમાં ટીનેજર હૉસ્પિટલમાં દાખલ,  પાંચ આરોપીઓને પકડવા પોલીસની ૪ ટીમ તપાસમાં લાગી

પ્રતીકાત્મક તસવીર

 ઘાટકોપર-વેસ્ટ વિસ્તારમાં એસ. જી. બર્વેનગર કૉલોનીમાં સોમવારે સાંજે ૭ વાગ્યે ગાર્ડનમાં રમવા ગયેલા સાતમા ધોરણના ૧૪ વર્ષના વિદ્યાર્થી યશ ચૌરસિયાને પાંચ અજાણ્યા માણસોની ટોળકીએ અટકાવીને, ચપ્પુ બતાવીને ડરાવ્યો હતો અને તેના ગળાના ભાગમાં સિરિન્જ વડે શંકાસ્પદ ઇન્જેક્શન મારી દીધું હતું. આ હુમલા બાદ વિદ્યાર્થી સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક મુક્તાબાઈ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત હાલમાં ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઘાટકોપર પોલીસે ગઈ કાલે સાંજે પાંચ લોકો સામે ફરિયાદ નોંધીને તેમની તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીના પિતા રામુ ચૌરસિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો પુત્ર યશ ઘાટકોપરની BMC સ્કૂલ-નંબર 3માં સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. સોમવારે સવારે સ્કૂલથી આવ્યા બાદ અને બપોરે ટ્યુશન પૂરું કર્યા પછી સાંજે ૭ વાગ્યે યશ મારા ભાઈના પુત્ર સાથે બર્વેનગરના ગાર્ડનમાં રમવા ગયો હતો. તે રમતો હતો ત્યારે અચાનક પાંચ લોકો ત્યાં આવ્યા હતા અને બન્ને બાળકો સાથે બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ‘અહીં કેમ રમો છો?’ કહીને તેમણે બાળકોની મારપીટ શરૂ કરી દીધી હતી. મારઝૂડ દરમ્યાન ડરી ગયેલો મારા ભાઈનો પુત્ર કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો, પરંતુ તે પાંચ લોકોએ યશને પકડી રાખ્યો હતો. તેમણે તેને ચપ્પુ બતાવીને ગળાના ભાગમાં દવા ભરેલું ઇન્જેક્શન મારી દીધું હતું, જેનાથી યશ ત્યાં જ ઢળી પડ્યો હતો. મારા ભાઈના પુત્રએ ઘરે આવી ઘટનાની જાણ કરતાં અમે સ્થળ પર પહોંચીને બેભાન યશને તાત્કાલિક સારવાર અર્થે મુક્તાબાઈ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. ગઈ કાલે સવારે યશને ભાન આવ્યું હતું, જેના આધારે અમે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ સામે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી.’

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ગંભીર મામલે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓને વહેલી તકે પકડી પાડવા માટે ૪ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જે આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ અને વિસ્તારની વિગતવાર તપાસ કરી રહી છે. આ ઉપરાંત ડૉક્ટરો સાથે સંકલન કરીને કિશોરનું બ્લડ-સૅમ્પલ લેબમાં મોકલવામાં આવ્યું છે, જેથી તેને કયા કેમિકલનું કે દવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું એનો ચોક્કસ ખુલાસો થઈ શકે.’

mumbai news mumbai ghatkopar brihanmumbai municipal corporation Crime News mumbai crime news mumbai police