પૂરમાં પ્રભાવિત દુકાનદારો અને વેપારીઓને મદદ કરવા આવેદનપત્ર આપ્યું

31 July, 2021 11:37 AM IST  |  Mumbai | Rohit Parikh

ફામના પ્રતિનિધિમંડળે ગવર્નરને મળીને પૂરમાં પ્રભાવિત દુકાનદારો અને વેપારીઓને મદદ કરવા આવેદનપત્ર આપ્યું

મહારાષ્ટ્રના ગવર્નરને આવેદનપત્ર આપી રહેલા ફામના અધ્યક્ષ વિનેશ મહેતા અને અન્ય પદાધિકારીઓની સાથે રાજ પુરોહિત.

મહારાષ્ટ્રના મહાપૂરમાં પ્રભાવિત થયેલા હજારો વેપારીઓને સરકાર તરફથી નાણાકીય પૅકેજ આપવામાં આવે અને સાતારા, સાંગલી, કોલ્હાપુર, રત્નાગિરિ તેમ જ કોંકણના પટ્ટા પરના પૂરના અસરગ્રસ્તોના વીમાના દાવાઓનું કોઈ પણ જાતની પજવણી વગર ૩૦ દિવસમાં સમાધાન કરવામાં આવે તથા લૉકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવી રહેલા દુકાનદારોને ઓછામાં ઓછું એક વખત પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે એવી માગણી ગઈ કાલે ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ) તરફથી મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને આવેદનપત્ર આપીને કરવામાં આવી હતી.
આ બાબતની માહિતી આપતાં ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દુકાનદારોને બધા જ દિવસોમાં રાતના આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરાંને રાતના ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવા કહ્યું હતું. અમે તેમને વ્યાપારી સમુદાયને તેમનો વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે વ્યાજમુક્ત લોન આપવા પણ કહ્યું છે. એટલું જ નહીં, હાલના લોન પરના વ્યાજને માફ કરવાની વિનંતી કરી છે. આ સાથે પ્રૉપર્ટી ટૅક્સ અને ઇલેક્ટ્રિસિટીનાં બિલો વગેરેમાં રાહત આપવાની વિનંતી કરી છે.’ 
ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે મુસાફરોએ બન્ને રસી લીધી છે તેમને લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે એવી વિનંતી અમે ગવર્નર સમક્ષ કરીને તેમને વેપારીઓની વાત સરકાર સાંભળે એ માટે ઘટતું કરવા કહ્યું હતું.’
કોરોનાના નિયંત્રણોમાં રાહત આપવાના મુદ્દે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન, આરોગ્ય પ્રધાને જે જિલ્લામાં પૉઝિટિવિટી રેટ રાજ્યના પૉઝિટિવિટી રેટ કરતા ઓછો છે ત્યાં સોમવારથી રાહત આપવામાં આવે એવા સંકેત આપ્યા છે. મુંબઈ અને થાણેનો પૉઝિટિવિટી રેટ રાજ્ય કરતા ઓછો છે.

Mumbai mumbai news rohit parikh