18 February, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
અજિત પવારના પ્લેન-ક્રૅશની તપાસ કરી રહેલા ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં ક્રૅશ થયેલા ઍરક્રાફ્ટના ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (DFDR)માંથી ડેટા સફળતાપૂર્વક ડાઉનલોડ કર્યા છે. મંગળવારે જાહેર કરાયેલા એક વિગતવાર નિવેદનમાં સિવિલ એવિયેશન મંત્રાલયે જણાવ્યું હતું કે તપાસ કડક રીતે હાથ ધરવામાં આવી રહી છે.
મંત્રાલયે આપેલી માહિતી મુજબ વિમાનમાં બે સ્વતંત્ર ફ્લાઇટ રેકૉર્ડર ફિટ કરવામાં આવ્યાં હતાં. અકસ્માત દરમ્યાન બન્ને રેકૉર્ડર લાંબા સમય સુધી તીવ્ર ગરમીના સંપર્કમાં રહ્યાં હતાં અને આગથી એને નુકસાન થયું હતું. ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (DFDR)ને AAIB ફ્લાઇટ રેકૉર્ડર લૅબોરેટરીમાં સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યું છે. કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR)ની વિગતવાર ટેક્નિકલ તપાસ ચાલી રહી છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ક્ષતિગ્રસ્ત રેકૉર્ડરમાંથી ડેટા મેળવવા માટે વિશેષ સહાય માટે એ કંપની જ્યાં આવેલી છે એ દેશની માન્યતા મળે એ માટે સહાય માગવામાં આવી છે.
ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ પણ વિમાનની ઉડાન-યોગ્યતા અને કાર્યકારી સ્થિતિની સમાંતર તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર તપાસમાં દસથી ૧૫ દિવસ લાગશે, કારણ કે તપાસકર્તાઓ ઑપરેટિંગ કંપની પાસેથી મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા દસ્તાવેજની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે બ્લૅક બૉક્સનું વિશ્લેષણ અને DGCA તપાસ બન્નેમાંથી મળેલાં તારણો ક્રૅશનું કારણ નક્કી કરવામાં અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે. AAIB અને DGCA એમની તપાસ ચાલુ રાખી રહ્યાં છે. જોકે અધિકારીઓએ હજી સુધી ક્રૅશનું કારણ જાહેર કર્યું નથી અને કહ્યું છે કે તપાસ ચાલી રહી છે.
અજિત પવારના ભત્રીજા અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પ્લેન-ક્રૅશ સંદર્ભે દિલ્હીમાં ભૂતપૂર્વ પાઇલટ અને ઑફિસરોને મળી રહ્યા છે અને પ્રાઇવેટ ડિટેક્ટિવની પણ મદદ લઈ રહ્યા છે એવું સૂત્રએ જણાવ્યું હતું. રોહિત પવારે ગઈ કાલે થયેલા ડેવલપમેન્ટ બાદ કહ્યું હતું કે ‘અમે ગૃહમંત્રાલય અને એવિયેશન મંત્રાલયનો સંપર્ક કર્યો છે અને અમારી પાસેના પુરાવા આપ્યા છે. અમને અશા છે કે એનો ઉપયોગ થશે. અમે અમારી રીતે તપાસ કરી છે, જેમાંની અનેક બાબતો સાચી હોવાનું જણાઈ રહ્યું છે. અમે ફરી એક પત્રકાર-પરિષદ આજે બોલાવીને કેટલાક મુદ્દા મૂકવાના છીએ. અકસ્માતનો વિષય મહત્ત્વપૂર્ણ છે. આપણે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે પુરાવા છે, મેસેજિસથી લઈને વિડિયો અને ફોન પર વાતચીત સુધી. જોકે આપણે હમણાં એ વિશે વાત નહીં કરીએ.’