20 April, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેજસ સુપરફાસ્ટ ટ્રેન
ઉનાળુ વેકેશનને પગલે મુસાફરોના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ વચ્ચે સ્પેશ્યલ તેજસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ૨૧ એપ્રિલથી ૨૮ મે સુધી દર સોમવારે, બુધવારે અને શુક્રવારે રાતે ૧૧.૨૦ વાગ્યે ટ્રેન નંબર ૦૯૦૦૫ મુંબઈ સેન્ટ્રલથી ઊપડશે જે બીજે દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. ૨૨ એપ્રિલથી ૨૯ મે સુધી ટ્રેન નંબર ૦૯૦૦૬ દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યે રાજકોટથી રવાના થશે જે બીજે દિવસે સવારે ૭.૩૦ વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેન બન્ને તરફ બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશન પર થોભશે. આ સ્પેશ્યલ ટ્રેન માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ તેમ જ રેલવેની ટિકિટબારી પરથી ૧૯ એપ્રિલથી ટિકિટ બુક કરાવી શકાશે. નોંધનીય છે કે આ ટ્રેનમાં ફર્સ્ટ AC, ટૂ-ટિયર અને થ્રી-ટિયર AC કોચ હશે.