04 February, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનેત્રા પવાર અને અજિત પવાર
અજિત પવારના અકસ્માતમાં થયેલા મૃત્ય પછી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની જવાબદારી સુનેત્રા પવાર સંભાળી રહ્યાં છે. હવે પક્ષને સંભાળવા અને કાર્યકરોમાં ચેતના જગાડવા સુનેત્રા પવાર મહારાષ્ટ્રની યાત્રા કરવાનાં છે અને એ યાત્રાને ‘અજિતદાદા સ્મૃતિયાત્રા’ નામ આપવામાં આવ્યું છે.
અજિત પવારના નિધનને કારણે પક્ષમાં ખાલીપો સર્જાયો છે ત્યારે ફરી પક્ષને ઊભો કરવાનો અને કાર્યકર્તાનો વિશ્વાસ સંપાદન કરવાનો સુનેત્રા પવાર સામે પડકાર છે. અત્યાર સુધી બારામતી અને પુણે જિલ્લા સુધી જ કાર્યરત રહેલાં સુનેત્રા પવારે હવે પક્ષની ધુરા સંભાળી છે ત્યારે આખા રાજ્યમાં તેઓ યાત્રા કરવાનાં છે.
યાત્રાનું સ્વરૂપ
આ યાત્રા ફક્ત રાજકીય પ્રવાસ નહીં હોય પણ એ સાંત્વન સ્વરૂપની હશે. અજિતદાદાના નિધન પછી આખા રાજ્યમાં અરેરાટી ફેલાઈ છે એટલે લોકોની ભાવનાને ઓળખીને તેમની સાથે સંવાદ કરવો એ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હશે. અજિતદાદાની યાદ સાથે તેમણે કરેલાં કામ લોકો સુધી પહોંચાડવા આ યાત્રા એક પ્રભાવી માધ્યમ ઠરશે.
રાજકીય મહત્ત્વ
આવનારા કેટલાક દિવસોમાં સ્વરાજ સંસ્થાની ચૂટંણીઓ થવાની છે. એ જોતાં સુનેત્રા પવારની આ યાત્રા NCP માટે મહત્ત્વની મનાઈ રહી છે. સુનેત્રા પવાર માટે બારામતીથી બહાર અને આખા રાજ્યનું નેતૃત્વ કરવાનો આ પહેલો પ્રસંગ છે એટલે રાજ્યની જનતાની નજર તેમના પર છે.
અજિત પવાર મોટા ભાગે મંત્રાલયમાંથી તેમનાં બધાં જ કામ કરતા હતા. એ જ પ્રમાણે સુનેત્રા પવાર પણ મોટા ભાગે સોમવારે ૯ તારીખથી મંત્રાલયમાં જ આવેલી તેમની ઑફિસમાં બેસી કાર્યભાર સંભાળશે.
અજિતદાદાના અકસ્માતમાં થયેલા નિધન બાદ પવાર પરિવારે તેમના દસમાનું કાર્ય (ધાર્મિક વિધિ) ત્રીજા જ દિવસે આટોપી લીધી હતી અને એ પછી સુનેત્રા પવારે ચોથા દિવસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના શપથ લીધા હતા.
અજિત પવાર જે રીતે પુણેના અને બીડના પાલકપ્રધાન હતા એ જ રીતે હવે સુનેત્રા પવારને પણ એ બન્ને જિલ્લાનાં પાલકપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. આમ અજિત પવાર પાસે રહેલી ખાતાકીય જવાબદારીમાં ફક્ત ફાઇનૅન્સ ઍન્ડ પ્લાનિંગ છોડીને બાકીનાં બધાં જ ખાતાં હવે સુનેત્રા પવાર હૅન્ડલ કરશે.