પોલીસની ફાસ્ટ ઍક્શનનું મળ્યું સુપરફાસ્ટ રિઝલ્ટ

26 September, 2021 11:19 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કાંદિવલીમાં ગાયબ થઈ ગયેલી સાડાત્રણ વર્ષની બાળકીને ૨૫ જણની ટીમે પાંચ કલાકની અંદર શોધીને પરિવારને હેમખેમ સોંપી

પોલીસે બાળકીને હેમખેમ શોધવામાં સફળતા મેળવી હતી.

મુંબઈ : કાંદિવલીમાં સાડાત્રણ વર્ષની બાળકી અચાનક જ ગાયબ થઈ જતાં પરિવારજનો તેને શોધવા આખા પરિસરમાં ફરી વળ્યા હતા. અંતે તેમણે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં કિડનૅપિંગનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે આ બનાવમાં ગંભીરતાથી તપાસ કરીને સીસીટીવી કૅમેરાની મદદથી પાંચ કલાકની અંદર બાળકીને શોધી કાઢીને પેરન્ટ્સને હેમખેમ સોંપી હતી. બાળકીને શોધવા પોલીસની ૨૫ જણની ટીમે નૉન-સ્ટૉપ શોધખોળ કરી હતી. કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાંદિવલી-વેસ્ટમાં લાલાજીપાડા પરિસરના ગાંધીનગરમાં રહેતી સાડાત્રણ વર્ષની બાળકી ઘરની પાસે રમી રહી હતી ત્યારે અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકીની મમ્મી વૅક્સિનેશન લેવા ગઈ હતી અને તેણે સંબંધીને કહ્યું હતું કે તેનું ધ્યાન રાખજો. બાળકી સંબંધીના બાળક સાથે રમતી હતી. મમ્મી ઘરે આવ્યા બાદ લાંબો સમય થઈ ગયો હોવા છતાં બાળકી ન દેખાતાં માતા-પિતા અને સંબંધીઓ દ્વારા બધે તપાસ કરવામાં આવી હતી. પછી બાળકીના પરિવારે પોલીસ સ્ટેશનમાં કિડનૅપિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આસપાસના તમામ સીસીટીવી કૅમેરા તપાસવામાં આવ્યા હતા. એમાંથી એક સીસીટીવી કૅમેરામાં એક બાળકી દેખાઈ હતી. એથી એને ઝૂમ કરીને જોતાં તે ગુમ થયેલી બાળકી હોવાની ખાતરી થઈ હતી. ફુટેજમાં બાળકી એકલી ચાલીને જઈ રહી હોવાનું દેખાયું હતું. પોલીસે સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે બધાં પોલીસ સ્ટેશનોમાં એ વિશેની ડિટેલ મોકલી આપી હતી. ત્યાર બાદ માહિતી ભેગી કરીને પાંચ કલાકની અંદર બાંગુરનગર પરિસરથી માસૂમ બાળકીને શોધી કાઢી હતી.’

mumbai mumbai news kandivli mumbai police