આરેમાં મેટ્રો કારશેડનું કામ ફરી રઝળી શકે છે

06 August, 2022 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી સુનાવણી સુધી એક પણ વૃક્ષ ન કાપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : આગામી સુનાવણી ૧૦ ઑગસ્ટે

ફાઇલ તસવીર

મેટ્રો-૩ના પ્રોજેક્ટ માટે જરૂરી કારશેડ બનાવવા માટે આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાના વિરોધમાં પર્યાવરણપ્રેમીઓએ કરેલી યાચિકાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આગામી સુનાવણી સુધી અહીંનું એક પણ વૃક્ષ કાપવામાં ન આવે. આ મામલાની આગામી સુનાવણી ૧૦ ઑગસ્ટે રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી એકનાથ શિંદેની સરકારને ઝટકો લાગ્યો છે, કારણ કે ભારે વિરોધ બાદ પણ સરકારે આરે કૉલોનીમાં જ કારશેડનું ફરીથી બાંધકામ શરૂ કર્યું છે.

આરે કૉલોનીમાં બાંધવામાં આવી રહેલા મેટ્રોના કારશેડને લીધે મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપવામાં આવી રહ્યાં છે એટલે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એવો દાવો કરીને પર્યાવરણપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.

આ અરજીની સુનાવણી ગઈ કાલે હાથ ધરવામાં આવી હતી, જેમાં જસ્ટિસે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળીને આગામી સુનાવણી સુધી એટલે કે ૧૦ ઑગસ્ટ સુધી આરે કૉલોનીમાં એક પણ વૃક્ષ ન કાપવાનો નિર્દેશ રાજ્ય સરકારને આપ્યો હતો. 

mumbai mumbai news aarey colony supreme court mumbai metro