સુપ્રીમ કોર્ટે રણવીર અલાહાબાદિયાને રાહત તો આપી, પણ શોમાં તેણે વાપરેલી ભાષા પર જબરદસ્ત નારાજગી વ્યક્ત કરી

20 February, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે અત્યારે તેની ધરપકડ પર રોક લગાવી દીધી છે, પણ તે પોલીસને તપાસમાં સહયોગ કરે તો જ : કોઈ શો કરવા પર અને દેશની બહાર જવા પર પ્રતિબંધ

રણવીર અલાહાબાદિયા

જો કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય કે હું પૉપ્યુલર છું એટલે કંઈ પણ બોલી શકું છું તો એ ન ચાલે. તમે આ રીતે સમાજને હલકામાં ન લઈ શકો. પૃથ્વી પર એક પણ એવી વ્યક્તિ બતાવો જે તમે વાપરેલી ભાષાનું સમર્થન કરે

ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અ‌શ્લીલ ટિપ્પણી કરનારો રણવીર અલાહાબાદિયા અત્યાર સુધી પોલીસ સમક્ષ હાજર નથી થયો, પણ તેણે વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે યાચિકા દાખલ કરી હતી જેની સુનાવણી વખતે ગઈ કાલે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીરની ધરપકડ કરવા સામે વચગાળાની રાહત આપી હતી. જોકે કોર્ટે તેણે શોમાં કરેલી ટિ‌પ્પણીને લઈને કડક વલણ અપનાવ્યું હતું. રણવીર વતી કોર્ટમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના પુત્ર અને ઍડ્વોકેટ અભિનવ ચંદ્રચૂડ હાજર રહ્યા હતા.


રણવીરના વકીલે કોર્ટને કહ્યું હતું કે ‘તેને અને તેની ફૅમિલીને મોતની ધમકી મળી રહી છે. એને લીધે તે ગભરાયેલો છે અને પોલીસ કે બીજી કોઈ ઑથોરિટી સામે તપાસ માટે હાજર નથી રહ્યો. એક જણે તો મારા અસીલની જીભ કાપી નાખનારને પાંચ લાખ રૂપિયા ઇનામ આપવાનું પણ કહ્યું છે.’


આ સાંભળીને કોર્ટે કહ્યું હતું કે ‘આ બધું ઠીક છે. ધમકીઓ તો રોજ આવતી રહેશે. જો તમારા અસીલને ધમકી મળતી હોય તો તેણે મહારાષ્ટ્ર કે આસામ પોલીસનો રક્ષણ મેળવવા માટે સંપર્ક કરવો જોઈએ.’


સુપ્રીમ કોર્ટે રણવીરને રાહત આપતાં કહ્યું હતું કે જો રણવીર અલાહાબાદિયા પોલીસની તપાસમાં સહકાર આપશે તો મહારાષ્ટ્ર કે આસામ પોલીસ તેની ધરપકડ નહીં કરે. રવિવારે રણવીર સામે જયપુરમાં દાખલ થયેલા ત્રીજા કેસના સંદર્ભમાં પણ કોર્ટે ધરપકડ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. આની સાથે આ કેસના સંદર્ભમાં નવી ફરિયાદ નહીં લેવાનું પણ કોર્ટે કહ્યું હતું.


કોર્ટે રણવીરને તેનો પાસપોર્ટ થાણે પોલીસને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. આની સાથે કોર્ટને પૂછ્યા વગર દેશની બહાર જવા પર પણ રોક લગાવવામાં આવી છે. એટલું જ નહીં, જ્યાં સુધી નવી નોટિસ ન મળે ત્યાં સુધી તેને અને તેના સાથીઓને કોઈ પણ શો કરવા કે એમાં હાજર રહેવા પર રોક લગાવવામાં આવી હતી.


સોશ્યલ મીડિયામાં આવતી અશ્લીલ અને વલ્ગર કન્ટેન્ટના સંદર્ભમાં ગાઇડલાઇન્સ બનાવવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ નોંધાવવા કહ્યું હતું.


‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં રણવીરે વાપરેલી ભાષાનો તમે બચાવ કરી રહ્યા છો? એવો પ્રશ્ન જસ્ટિસ સૂર્યકાન્તે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચૂડને પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘અંગત રીતે કહું તો આ ઘૃણાસ્પદ ભાષા હતી અને નૈતિકતાનાં મૂલ્યોના આધારે હું એનો બચાવ ન કરી શકું, પણ શું તેની આ કમેન્ટ ક્રિમિનલ ગુનો બને છે અહીં એ એક પ્રશ્ન છે.’


જોકે જસ્ટિસ તેમની આ દલીલ સાથે સહમત નહોતા થયા અને થોડા ગુસ્સામાં તેમણે કહ્યું હતું કે જો આપણા દેશમાં આને અશ્લીલતા ન કહેવાય તો કોને કહેવાય?


એક સમયે તો કોર્ટે ત્યાં સુધી કહી દીધું હતું કે ‘રણવીરના મગજમાં જે ગંદકી ભરેલી છે એ તેણે આ પ્રોગ્રામ મારફત બહાર ફેલાવી છે. આવા માણસનો કેસ અમારે શું કામ સાંભળવો જોઈએ એ મારે જાણવું છે.’


કોર્ટે કહ્યું હતું કે ‘જો તમે એમ માનતા હો કે અમે આઇવરી ટાવરમાં બેઠા છીએ અને અમને કંઈ ખબર નથી હોતી તો તમને કહી દઈએ કે અમને એ વાતની જાણ છે કે રણવીરે એ વાક્ય ઑસ્ટ્રેલિયાના એક શોમાંથી કૉપી કર્યું હતું, પણ દરેક સમાજમાં શું બોલવું સ્વીકાર્ય છે અને શું ન બોલવું જોઈએ એનાં ધારાધોરણો હોય છે. જે દેશમાં આ બતાવવામાં આવ્યું હતું ત્યાં આ ઍડલ્ટ કન્ટેન્ટ હોવાને લીધે વૉર્નિંગ પણ બતાવવામાં આવી હતી.’


કોર્ટે કહ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય કે હું પૉપ્યુલર છું એટલે કંઈ પણ બોલી શકું છું તો એ ન ચાલે. તમે આ રીતે સમાજને હલકામાં ન લઈ શકો. પૃથ્વી પર એક પણ એવી વ્યક્તિ બતાવો જે તમે વાપરેલી ભાષાનું સમર્થન કરશે.’


રણવીરને ફટકાર લગાવતાં કોર્ટે કહ્યુ હતું કે ‘તમારી ભાષાએ તમારાં મા-બાપ, બહેન-દીકરી સહિત આખા સમાજને શરમમાં નાખ્યાં છે. તમે અને તમારા સાથીઓએ રીતસર વિકૃતિનું પ્રદર્શન કર્યું છે.’

ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટમાં શું બોલ્યો હતો રણવીર?

શું તમે જીવનભર તમારાં મમ્મી-પપ્પાને સેક્સ કરતાં જોવાનું પસંદ કરશો કે પછી એક વાર આ સેક્સમાં સામેલ થઈને એને હંમેશ માટે બંધ કરાવી દેશો?

mumbai news mumbai supreme court youtube mumbai crime news mumbai police