અષાઢી બીજનું મુરત નીકળ્યું, સુરત ડાયમન્ડ બુર્સ હવે સાતમી જુલાઈથી ધમધમશે

19 April, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગઈ કાલે યોજાયેલી મીટિંગમાં હૉલ ખીચોખીચ ભરાઈ ગયો : બેસવાની જગ્યા ન મળતાં વેપારીઓ ઊભા રહ્યા

વેપારીઓએ કરેલી મીટિંગની તસવીર

ગઈ કાલે બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સના ભારત ડાયમન્ડ બુર્સમાં સુરત ડાયમંડ બુર્સ (SDB) દ્વારા મુંબઈના વેપારીઓને સુરત આવીને વેપાર ચાલુ કરવાની અપીલ કરવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં મુંબઈના અનેક વેપારીઓએ હાજરી આપી હતી એટલું જ નહીં, આખો હૉલ ભરાઈ ગયો હતો અને બેસવાની જગ્યા નહોતી રહી એટલે ઘણા વેપારીઓએ ઊભા-ઊભા મીટિંગ અટેન્ડ કરી હતી, જ્યારે કેટલાક વેપારીઓ હૉલની બહાર ઊભા રહી ગયા હતા.

SDBના ચૅરમૅન અને થોડા વખત પહેલાં જ રાજ્યસભામાં સભ્યપદ મેળવનાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના ગોવિંદ ધોળકિયા, SDBના વાઇસ ચૅરમૅન અને ધર્મનંદન ડાયમન્ડ્સના લાલજી પટેલ, SDBના પ્રેસિડન્ટ અરવિંદ શાહ (ધાનેરા) અને અન્ય કમિટી મેમ્બર્સ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. ભારત ડાયમન્ડ બુર્સ તરફથી ચૅરમૅન અનુપ મહેતા, કમિટી મેમ્બર કિરીટ ભણસાલી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આપણે બધાએ સાથે મળીને વિશ્વનું સૌથી મોટું ઑફિસ-બિલ્ડિંગ સુરત ડાયમન્ડ બુર્સ બનાવ્યું છે એમ જણાવીને વેપારી સભ્યોને સંબોધતાં ગોવિંદ ધોળિકયાએ કહ્યું હતું કે ‘આ ઐ​તિહાસિક પ્રોજેક્ટના આપણે સૌ ભાગીદાર છીએ. અનેક મુશ્કેલીઓ અને અવરોધો વચ્ચે પણ આપણા દૃઢ નિશ્ચય અને પરસ્પરના વિશ્વાસને કારણે આપણે આ ભગીરથ કાર્ય પૂરું કરી શક્યા છીએ. આપણે હવે એને ધમધમતું કરવાનું છે. એવું જણાઈ આવ્યું છે કે લોકો એકબીજાની રાહ જોઈને બેઠા છે. એથી કમિટીએ નક્કી કર્યું છે કે દરેક માર્કેટમાં જઈ લોકોને જણાવીએ કે આપણે સૌ એકસાથે SDBમાં બિઝનેસ શરૂ કરીએ. ધર્મનંદન ડાયમન્ડ્સ અને SRKની ઑફિસો સાતમી જુલાઈથી શરૂ થઈ જશે એવી ખાતરી તેમણે આપી છે. એની સાથે બીજા ૫૦૦થી વધારે મેમ્બરોએ પણ સાતમી જુલાઈથી તેમની ઑફિસો ચાલુ કરવાની તૈયારી બતાવી છે.’

સુરત ડાયમન્ડ બુર્સનું વાજતે-ગાજતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થયું હતું, પરંતુ કેમેય કરીને વેપારીઓ એમાં ઑફિસો લીધા પછી પણ ચાલુ નહોતા કરી રહ્યા. એમાં બુર્સ બનાવવામાં જેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો એ કિરણ જેમ્સના વલ્લભ લાખાણી પણ મુંબઈ પાછા આવી જતાં બુર્સ ચાલુ થશે કે પછી શોભાનો ગાંઠિયો બની રહેશે એવા સવાલ બહારના નહીં પણ સુરતના જ વેપારીઓમાં ચર્ચાવા માંડતાં એને બેઠું કરવા સુરત ડાયમન્ડ બુર્સ (SDB)ની કમિટી ભારે પ્રયાસો કરી રહી છે.

સાતમી જુલાઈથી સુરત ડાયમન્ડ બુર્સ ધમધમતું થઈ રહ્યું છે : લાલજી પટેલ

લાલજી પટેલે મી​ટિંગ બાદ એક વિ​ડિયો-ક્લિપ બહાર પાડીને મી​ટિંગની વિગતો આપી હતી. એમાં તેમણે કહ્યું છે કે તમામ મેમ્બરોની અપેક્ષા સુરત ડાયમન્ડ બુર્સ જલદી શરૂ થાય એવી છે. આજની ભારત ડાયમન્ડ બુર્સની મીટિંગમાં અમે સાતમી જુલાઈએ ઑફિસો શરૂ કરવાનું સજેશન આપ્યું છે. તમામ લોકોએ ખાતરી આપી છે કે તેઓ સાતમી જુલાઈથી ઑફિસો શરૂ કરવા તૈયાર છે એટલે અમે સાતમી જુલાઈ ​ડિક્લેર કરીએ છીએ. સાતમી જુલાઈએ ૫૦૦-૬૦૦થી વધારે ઑફિસો શરૂ થશે. બાકી સુરતના મહિધરપુરા અને ​મિની બજારના જે વેપારીઓ છે તેમણે પણ અમને ખાતરી આપી છે. નાના-નાના વેપારીઓ માટે કૅબિનો અને ટેબલ-સ્પેસની પણ વ્યવસ્થા કરી છે. એથી સાતમી જુલાઈથી સુરત ડાયમન્ડ બુર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે.’

bharat diamond burse surat diamond burse mumbai surat mumbai news