03 December, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના હીરાના વેપારીના ૧.૮૧ કરોડ રૂપિયાના હીરા લઈને સામે પેમેન્ટ ન કરનાર કે એ હીરા પાછા ન આપનાર સુરતના હીરાના વેપારી સામે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં ફરિયાદ નોંધાતાં પોલીસ સુરતના વેપારીને પકડી લાવી છે.
BKC પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફરિયાદી રાજેશ વિઠલાણી ભારત ડાયમન્ડ બુર્સમાં ઑફિસ ધરાવે છે. સુરતના હીરા અને દાગીનાનો વેપારી રાજેશ શર્મા તેમની પાસે વર્ષોથી આવતો હતો, હીરા ઉધાર લઈ જતો અને સમયસર એનું પેમેન્ટ કરી દેતો હતો. માર્ચ મહિનામાં એક સારો ગ્રાહક છે જે હીરા ખરીદવામાં રસ ધરાવે છે એમ કહીને રાજેશ શર્મા તેમની પાસેથી ૧.૮૧ કરોડ રૂપિયાના હીરા લઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે જો હીરા વેચાઈ ગયા તો તે ૧૫ દિવસમાં ફુલ પેમેન્ટ કરી દેશે અથવા હીરા પાછા આપી દેશે. ૧૫ દિવસ વીતી ગયા પછી પણ તેણે ન તો પેમેન્ટ કર્યું હતું કે ન તો હીરા પાછા આપ્યા હતા. ત્યાર બાદ તેણે રાજેશ વિઠલાણીના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બહુ પ્રયાસો કરવા છતાં પણ જ્યારે હીરા પાછા ન મળ્યા અને પેમેન્ટ પણ ન મળ્યું ત્યારે રાજેશ વિઠલાણીએ આ બાબતે BKC પોલીસ-સ્ટેશનમાં રાજેશ શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એથી અમે સુરત જઈને તેને પકડી લાવ્યા હતા.’