આ સુરતી મહિલા તો ભારે કારસ્તાની

04 December, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ આવીને ટિપટૉપ કપડાંમાં ફરે અને સિનિયર સિટિઝનોને વાતોમાં ભોળવીને તેમના દાગીના પડાવી લે : સિદ્ધિવિનાયક મંદિરની બહાર ભિક્ષા માગતી મહિલાની ૭૦,૦૦૦ રૂપિયાની ચેઇન તફડાવી એ પછી દાદર પોલીસે તરત ઍક્શનમાં આવીને તેને પકડી પાડી

દાદર પોલીસે ધરપકડ કરેલી અનીતા ઉર્ફે પિન્કી પરિયાલ.

પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરની બહાર ભિક્ષા માગતી ૭૦ વર્ષની શોભા ગોગલિયાને વાતોમાં ભોળવીને તેની ચેઇન પડાવી જનાર સુરતની ૩૯ વર્ષની અનીતા ઉર્ફે પિન્કી પરિયાલની ગઈ કાલે દાદર પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે સાંજે શોભાને રૅશન આપવાના બહાને માહિમ દરગાહ લઈ જઈને અનીતા તેની ૭૦,૦૦૦ રૂપિયાની ચેઇન પડાવી ગઈ હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતાં પોલીસે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ તપાસના આધારે આરોપી મહિલાને ઓળખી કાઢી હતી અને તેની મુંબઈ સેન્ટ્રલ નજીકની એક લૉજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અનીતા મૂળ સુરતની રહેવાસી છે. તે માત્ર સિનિયર સિટિઝનોને છેતરવા મુંબઈ આવતી હોવાનો ખુલાસો પ્રાથમિક તપાસમાં થયો છે એટલું જ નહીં; તેની સામે મુંબઈ, પુણે અને ગુજરાતનાં અન્ય પોલીસ-સ્ટેશનોમાં પણ આ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. ભિક્ષા માગતી મહિલાને ન્યાય અપાવવા તેમ જ તેની ચેઇનને શોધવા દાદર પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ જબરદસ્ત પ્રયાસો કર્યા હતા.

દાદર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર રામકૃષ્ણ સગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં સિદ્ધિવિનાયક મંદિરની બહારના અને માહિમ દરગાહ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરવામાં આવ્યાં હતાં જેમાં મહિલા આરોપીનો ક્લિયર ફોટો અમારી સામે આવ્યો હતો. ત્યાર બાદ ટેક્નિકલ ટીમની મદદથી તે મહિલા સામે બીજા કોઈ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ છે કે નહીં એની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુપ્ત સૂત્રોને મહિલાનો ફોટો આપીને તેની માહિતી ભેગી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમ્યાન ગઈ કાલે સવારે ટેક્નિકલ માહિતીના આધારે મહિલા મુંબઈ સેન્ટ્રલમાં હોવાની માહિતી મળતાં ત્યાં છટકું ગોઠવીને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી છેતરપિંડી કરીને પડાવી લીધેલી ચેઇન જપ્ત કરવામાં આવી છે.’

કઈ રીતે છેતરપિંડી કરતી હતી સુરતની મહિલા

પોલીસ-ઇન્સ્પેક્ટર રામકૃષ્ણ સગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનીતા ઉર્ફે પિન્કી પરિયાલ મૂળ સુરતની રહેવાસી છે. તેની સામે મુંબઈ, પુણે અને ગુજરાતનાં અનેક પોલીસ-સ્ટેશનોમાં આ પ્રકારની છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. અનીતા ટ્રેનમાં મુંબઈ આવીને મુંબઈ સેન્ટ્રલ આસપાસની લૉજમાં રોકાતી હતી. ત્યાર બાદ તે મુંબઈ અને થાણેના વિવિધ રસ્તાઓ પર ટિપટૉપ કપડાંમાં ફરીને રસ્તા પરથી એકલા જતા સિનિયર સિટિઝનનોને વાતોથી ભોળવીને તેમણે પહેરેલા દાગીના પડાવી લેતી હતી અને પાછી સુરત જતી રહેતી હતી. છેતરપિંડી કરેલા દાગીના સુરતના જ્વેલરને વેચીને મળેલા પૈસાથી તે મોજમજા કરતી હતી.’

mumbai news mumbai dadar prabhadevi Crime News mumbai crime news crime branch surat mumbai police