10 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની ફાઇલ તસવીર
Tahawwur Rana Extradiction: ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તહવ્વુર રાણાને ગમે ત્યારે કોઈપણ ઘડીએ ભારતમાં લાવવામાં આવશે. અમેરિકાની અંદર અત્યારે તમામ ભારતીય એજન્સીઓ રાણાના પ્રત્યાર્પણ અંગે અલર્ટ મોડમાં આવી ગઈ છે.
આ સાથે જ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લગભગ બે જ દિવસની અંદર તહવ્વુર રાણાને (Tahawwur Rana Extradiction) ભારતમાં લાવવામાં આવશે. ત્યારબાદ અહીં તેની સામે કેસ દાખલ કરવામાં આવશે. રાણાના પ્રત્યાર્પણને લઈને ભારતને મોટી સફળતા મળી છે, એમ કહી શકાય. કેટલાંક અહેવાલો સૂચવે છે કે રાણાને ભારત લવાયા બાદ થોડા સમય માટે NSAની કસ્ટડીમાં રાખવામાં આવશે. અજિત ડોભાલ પોતે આખી પ્રક્રિયાનું સંચાલન કરવાના છે. તેઓની સાથે ગૃહ મંત્રાલયના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની પણ નજર રહેવાની છે. અત્યારસુધી તહવ્વુર રાણા અમેરિકન કોર્ટમાં રાહત માટે ભટકી રહ્યો હતો. તે એવી દલીલ કરતો હતો કે પોતે પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે ભારતમાં તેમના પર ઘણા ત્રાસ આપવામાં આવશે. આખરે ભારત આ કેસ જીતી ગયું હોવાની વાત સામે આવી છે. અને હવે ટૂંક જ સમયમાં તેને ભારતમાં લાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે તહવ્વુર રાણા એ ડેવિડ હેડલીનો બાળપણનો ફ્રેન્ડ છે. મુંબઈ જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તેની સંડોવણી બદલ હેડલીની અમેરિકી અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. રાણાએ (Tahawwur Rana Extradiction) કન્સલ્ટન્સી ફર્મની સ્થાપના પણ કરી હતી.
Tahawwur Rana Extradiction: પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે મુંબઈમાં તેની ફર્મની એક શાખાએ હેડલીને પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના લક્ષ્યોને ઓળખવા અને તેનું નિરીક્ષણ કરવા માટે ઉત્તમ કવર પૂરું પાડ્યું હતું. ૨૬/૧૧ ના હુમલા એટલે કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ આ જ લશ્કરના ૧૦ આતંકવાદીઓએ મુંબઈ પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાવહ હતો કે લગભગ ત્રણ દિવસ આખી મુંબઈ હચમચી જવા પામી હતી. આ હુમલામાં ૬ અમેરિકન્સ સહિત ૧૬૬ લોકોએ પ્રાણ ખોયા હતા.
તમને જણાવી દઈએ કે તહવ્વુર રાણા (Tahawwur Rana Extradiction) એ પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીના મદદનીશ તરીકે કુખ્યાત છે. ૨૦૦૮માં મુંબઈમાં 26 નવેમ્બરે થયેલા ભયાવહ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંઠી તે એક હતો. પાકિસ્તાની મૂળના ઉદ્યોગપતિ, ચિકિત્સક અને ઇમિગ્રેશન ઉદ્યોગસાહસિક રાણાએ લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) સાથે જોડાણ હોવાનો આરોપ લગાવ્યો છે. હુમલામાં મદદ કરવામાં રાણાની કથિત ભૂમિકા ભારત અને અમેરિકા વચ્ચે વર્ષોથી વિવાદનો મુદ્દો રહી છે. હવે ભારત કેસ જીત્યું હોવાનું જાણવા મળ્યું છે અને રાણાને ટૂંક જ સમયમાં ભારત લાવવામાં આવશે.