14 December, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીક પહાડિયાની કારમાં લાગેલા કૅમેરામાં આરોપી મોબાઇલ ખિસ્સામાં નાખતો જોવા મળ્યો હતો.
ઘાટકોપર નજીક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર ટકટક ગૅન્ગ ફરી સક્રિય બની છે. શુક્રવારે સાંજે કાંજુરમાર્ગમાં રહેતા ૪૪ વર્ષના પ્રતીક પહાડિયા અને ઐરોલીમાં રહેતી ૪૯ વર્ષની મીનલ બાહતીની ટ્રાફિકમાં ઊભેલી કારને પાછળથી બે જણે ટકટક કરીને અટકાવીને તેમના લાખો રૂપિયાના કીમતી મોબાઇલ સેરવી લીધા હતા. આ મામલે વિક્રોલી અને પંતનગર પોલીસ-સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી. ૬ મહિના પહેલાં ટકટક ગૅન્ગના સભ્યોએ EEH પર ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા ત્યારે તેમને પકડવા માટે પોલીસે સ્પેશ્યલ અભિયાન ચલાવ્યું હતું. ત્યાર બાદ આવી ઘટના બંધ થઈ ગઈ હતી, પણ તાજેતરમાં બનેલી ઘટના બાદ લોકોને સાવચેત રહેવાની અપીલ પોલીસે કરી છે.
પ્રતીક સાથે શું બન્યું?
મારી સાથે બનેલી ઘટના મારી કારમાં લાગેલા કૅમેરામાં રેકૉર્ડ થઈ ગઈ હતી એમ જણાવતાં પ્રતીક પહાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે સાડાછ વાગ્યે હું EEH પરથી કાંજુરમાર્ગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે વિક્રોલી ટ્રાફિક-ચોકી નજીક એક માણસે મારી કારની ડાબી બાજુથી વિન્ડો પર ટકટક કર્યું હતું. એ સમયે મેં શું થયું એ પૂછવા માટે કારની બારીનો કાચ નીચે કર્યો ત્યારે તરત જમણી બાજુએ એક માણસે વિન્ડો પર ફટકો મારીને કહ્યું કે તું કેવી રીતે કાર ચલાવે છે? તારે લીધે ટ્રાફિક જૅમ થાય છે એટલું કહી ઝડપથી કાર ચલાવવાનું કહ્યું એટલે હું ઓવરટેક કરીને કારને હંકારી ગયો હતો. થોડી વાર પછી મારા ડૅશબોર્ડ પર નજર પડી ત્યારે મારો સૅમસંગ કંપનીનો એક લાખ રૂપિયાનો મોબાઇલ ગુમ હતો. એ પછી મેં કારમાં લાગેલા કૅમેરામાં જોયું ત્યારે બન્ને જણ મારો મોબાઇલ ફોન લઈ જતા હોવાનું દેખાયું હતું. અંતે ઘટનાની ફરિયાદ મેં પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
મીનલ સાથે શું બન્યું?
વિક્રોલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઐરોલીમાં રહેતી મીનલ શુક્રવારે સાંજે દાદર ઑફિસથી નીકળીને પોતાની કાર ડ્રાઇવ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે નારાયણ બોધે બ્રિજ પર તેની કાર ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. એ વખતે એક વ્યક્તિએ ડાબી બાજુથી કારનો દરવાજો ખખડાવ્યો ત્યારે કાચ ખોલતાં દરવાજો ખખડાવનાર વ્યક્તિએ મીનલને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. અને એ સમયે જમણી બાજુએ બીજા એક માણસે કારનો દરવાજો ખખડાવ્યો ત્યારે મીનલે જમણી બાજુની વિન્ડોનો ગ્લાસ નીચે કર્યો ત્યારે તે વ્યક્તિએ આગળ વધો, પેલા માણસની વાત ન સાંભળો કહ્યું એટલે મીનલ કાર લઈને આગળ વધી ગઈ. થોડે આગળ જતાં ડૅશબોર્ડ પર મૂકેલો આઇફોન-15 મોબાઇલ ગાયબ હતો. એ ચોરાઈ ગયો હોવાની ખાતરી થતાં તેણે ફરિયાદ નોંધાવી છે.’