01 August, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્યક્રમની ઝલક
ભિવંડી સ્થિત તપોવન વિદ્યાલયમાં તાજેતરમાં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન વિવિધ મનોરંજક અને સહભાગિતાપૂર્ણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉપસ્થિત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘પૉઝિટિવ પેરન્ટિંગ’ વિષય પર હિના સાવલાનું લાઇવ માર્ગદર્શન સત્ર હતું. આ સત્રમાં તેમણે માતા-પિતાએ બાળકોનું સકારાત્મક રીતે પાલનપોષણ કેવી રીતે કરવું, બાળકો સાથે અસરકારક સંવાદ કેવી રીતે જાળવવો અને તેમના સર્વાંગી વિકાસ માટે કયા મુદ્દાઓ મહત્ત્વપૂર્ણ છે એ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વિવિધ રમતોના વિજેતાઓને આકર્ષક ઇનામો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સફળ કાર્યક્રમમાં વિદ્યાલયનાં પ્રિન્સિપાલ પ્રિયદા ચુરીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તેમ જ કો-ઑર્ડિનેટર રૂપાલી ખાપરે, અંજલિ રાઠોડ, શીતલ રાઠોડ તથા તપોવન વિદ્યાલયના અન્ય શિક્ષકોએ અથાગ પરિશ્રમથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન હિરેન ડોડિયા અને રાશિ નાગડાએ કર્યું હતું.