`તહેલકા`ના એડિટર તરુણ તેજપાલ દોષિત, ૨૦૧૩માં જુનિયર રિપોર્ટરનો કર્યો હતો બળાત્કાર

06 August, 2026 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tarun Tejpal conviction: `તહેલકા` મેગેઝિનના ભૂતપૂર્વ એડિટર તરુણ તેજપાલને ૨૦૧૩ના બળાત્કાર કેસમાં બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા; હાઈકોર્ટે ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટે આપેલા નિર્દોષ છૂટવાના ચુકાદાને ઉલટાવ્યો

તરુણ તેજપાલની ફાઇલ તસવીર

`તહેલકા` (Tehelka) મેગેઝિનના ભૂતપૂર્વ એડિટર તરુણ તેજપાલ (Tarun Tejpal) ને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) ની ગોવા (Goa) બેન્ચે ગુરુવારે તેમને ૨૦૧૩માં તેમની જુનિયર સહયોગી દ્વારા નોંધાવવામાં આવેલા રેપ કેસમાં દોષિત ઠેરવ્યા છે. હાઇકોર્ટે ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટ દ્વારા તેજપાલને નિર્દોષ જાહેર કરવાના આદેશને રદ કર્યો (Tarun Tejpal conviction) છે. ગોવા સરકાર (Goa government) એ આ નિર્દોષ છુટકારા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ ડૉ. નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જમસંડેકરની ડિવિઝન બેન્ચે બંને પક્ષોની વિગતવાર દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી, જ્યારે વરિષ્ઠ વકીલ આબાદ પોંડાએ તેજપાલનો પક્ષ રાખ્યો હતો.

તરુણ તેજપાલ પર શું આરોપ હતો?

આ મામલો તરુણ તેજપાલની જ એક પૂર્વ જુનિયર સહયોગીના આરોપો સાથે જોડાયેલો છે. પીડિતા અનુસાર, નવેમ્બર ૨૦૧૩માં ગોવામાં યોજાયેલા `થિંકફેસ્ટ` કાર્યક્રમ દરમિયાન સિનિયર પત્રકાર તરુણ તેજપાલે એક હોટેલની લિફ્ટમાં તેની સાથે જાતીય સતામણી કરી હતી.

આ કેસની સુનાવણી ૨૦૧૭માં માપુસાની ટ્રાયલ કોર્ટ (Mapusa Court) માં શરૂ થઈ હતી અને ૨૦૨૧માં કોર્ટે તેજપાલને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ ગોવા સરકારે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

૨૦૧૩થી ૨૦૨૬ સુધીની કાનૂની લડાઈ - એફઆઈઆરથી લઈને નિર્દોષ છુટકારા સુધીનો ઘટનાક્રમ

આ સમગ્ર કેસ એક મહિલા પત્રકાર દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર આધારિત છે. પીડિતા અનુસાર, ૭ અને ૮ નવેમ્બર ૨૦૧૩ના રોજ એક હોટેલની લિફ્ટમાં તરુણ તેજપાલે તેમની જાતીય સતામણી કરી હતી. આ મામલે પોલીસે ૩૦ નવેમ્બર ૨૦૧૩ના રોજ તેજપાલની ધરપકડ કરી હતી.

૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ટ્રાયલ કોર્ટે તેજપાલ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ રેપ, જાતીય સતામણી અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા બદલ ચાર્જ (આરોપો) નક્કી કર્યા હતા. જોકે, તેજપાલે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

આરોપો ઘડાયા બાદ તેજપાલે કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચાર્જ રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને છ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

મે ૨૦૨૧માં ગોવા સેશન્સ કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે સરકારી પક્ષ (Prosecution) શંકાની બહાર આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ટ્રાયલ કોર્ટે તબીબી પુરાવાની ગેરહાજરી નોંધાવી હતી તેમજ પીડિતા અને તેજપાલ વચ્ચે થયેલા મેસેજીસ પર ભરોસો મૂકીને તારણ કાઢ્યું હતું કે પીડિતા ઘટનાથી આઘાત (Traumatised) માં હોય તેવું લાગતું નથી.

ત્યારબાદ, ગોવા સરકારે આ નિર્દોષ છુટકારાના ચુકાદાને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શું દલીલ કરી?

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટે પીડિતાના વર્તનનું મૂલ્યાંકન કરતી વખતે એક ગંભીર ભૂલ કરી હતી. ટ્રાયલ કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે પીડિતાએ એવું સામાન્ય વર્તન નહોતું દર્શાવ્યું જે જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલા દર્શાવતી હોય છે.

તેના જવાબમાં સોલિસિટર જનરલે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પીડિતાની પ્રતિક્રિયા માટે કોઈ સાર્વત્રિક કે ચોક્કસ ધોરણ (Universal Standard) હોઈ શકે નહીં, કારણ કે દરેક વ્યક્તિનું શિક્ષણ, વ્યક્તિત્વ, સામાજિક પૃષ્ઠભૂમિ અને પરિસ્થિતિઓ મુજબ વર્તન અલગ-અલગ હોઈ શકે છે.

ચુકાદા સમયે તેજપાલ કોર્ટમાં હાજર રહ્યા, દયાની અપીલ કરી

ચુકાદો સંભળાવાયો ત્યારે તરુણ તેજપાલ કોર્ટરૂમમાં જ હાજર હતા, કારણ કે બેન્ચે કેસ અનામત રાખતી વખતે તેમને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચ સમક્ષ વાત કરતા તેજપાલે પોતાની ઉંમરનો હવાલો આપીને નરમ વલણ દાખવવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યું, "હું ૬૨ વર્ષનો છું અને હું માનું છું કે હું પોતે પીડિત છું. મારી પત્ની છે અને આ સિવાય મારી પાસે કહેવા માટે વધુ કંઈ નથી. હું બસ એટલું જ કહી શકું છું કે અમે અપીલ કરી શકીએ છીએ. કૃપા કરીને મારા પ્રત્યે થોડી નરમાઈ દયા દાખવો."

Crime News mumbai crime news goa Rape Case bombay high court mumbai news mumbai sexual crime indian penal code