ટીચર્સને એચએસસીના રિઝલ્ટનું કામ પતાવવા જોઈએ છે વધુ સમય

22 July, 2021 09:17 AM IST  |  Mumbai | Pallavi Smart

ભારે વરસાદ તેમ જ બોર્ડના સર્વરને લગતી સમસ્યાને લીધે એચએસસીના  રિઝલ્ટનું કામ વિલંબમાં પડ્યું હોવાથી સમયમર્યાદા લંબાવવાની કરી માગણી 

એસએસસી અને એચએસસીના કેટલાક વિદ્યાર્થીઓએ એપ્રિલમાં બોર્ડની પરીક્ષાઓ વિરુદ્ધ દાદરમાં વિરોધ કર્યો હતો. ફાઇલ

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ તેમ જ રાજ્યના બોર્ડના સર્વરને લગતી સમસ્યાને લીધે એચએસસીના રિઝલ્ટનું કામ વિલંબમાં પડ્યું છે અને હવે ટીચર્સે રિઝલ્ટ સબમિટ કરવાની સમયમર્યાદા વધારવાની માગણી કરી છે. પહેલાં રિઝલ્ટ સબમિટ કરવાની તારીખ ૨૧ જુલાઈ ઠરાવાઈ હતી, જે પછીથી લંબાવીને ૨૩ જુલાઈ કરવામાં આવી હતી. જોકે હવે ટીચર્સે સમયમર્યાદા લંબાવવાની માગણી કરી છે. 
મહારાષ્ટ્ર સ્ટેટ ફેડરેશન ઑફ જુનિયર કૉલેજ ટીચર્સ ઑર્ગેનાઇઝેશનના કો-ઑર્ડિનેટર પ્રોફેસર મુકુંદ અંધાલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મોટા ભાગની સમસ્યા ભારે વરસાદને કારણે થઈ છે. મંગળવાર રાતથી સર્વરમાં ટેક્નિકલ ઇશ્યુ હોવાથી ટીચર્સને માર્ક્સ અપલોડ કરવામાં સમસ્યા થતાં નિર્દિષ્ટ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવું અશક્ય બનતાં ઑર્ગેનાઇઝેશને ડેડલાઇન લંબાવવાની માગણી કરી હતી.’
મુંબઈ અને થાણે જેવા શહેરી વિસ્તારોમાં જ્યાં પરિવહનની સમસ્યાઓ વધુ છે ત્યાં ટીચર્સને રિઝલ્ટ અપલોડ કરવાના સ્થળે પહોંચવામાં સમસ્યા થાય છે. આ ઉપરાંત ઇન્ટરનેટ કનેક્શનની સમસ્યા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મંગળવારે રાતથી રાજ્ય બોર્ડનું સર્વર ડાઉન હતું, જે શિક્ષકોએ ફરિયાદ કર્યા બાદ ગઈ કાલે બપોરે ફરી શરૂ થતાં ૨૩ જુલાઈ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવું અશક્ય બન્યું હતું. મુંબઈના કુલ ત્રણ લાખ સ્ટુડન્ટ્સમાંથી એક લાખ સ્ટુડન્ટના માર્ક સર્વરમાં અપલોડ કરવાના બાકી છે  અને સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો ૧૩ લાખમાંથી પાંચ લાખ સ્ટુડન્ટનાં રિઝલ્ટ અપલોડ કરવાનાં બાકી છે. 
જોકે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના સેક્રેટરી દિનકર પાટીલે જણાવ્યા મુજબ રિઝલ્ટનું ૮૨ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું ૧૮ ટકા કાર્ય નિર્દિષ્ટ સમયમર્યાદામાં પૂરું થઈ શકે એમ હોવાથી ડેડલાઇન લંબાવવાની આવશ્યકતા નથી. 

pallavi smart mumbai mumbai news