સ્કૂલમાંથી કૂતરાઓને હાંકી કાઢવાની જવાબદારી લેવાનો ટીચર્સનો ઇનકાર

04 January, 2026 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તેઓ કૂતરાઓને હાંકી કાઢવા ક્લાસમાંથી નીકળીને બહાર જશે તો તેમની બાળકોને ભણાવવાની મૂળ જવાબદારી પૂરી રીતે નિભાવી નહીં શકે.

પ્રતીકાત્મક તસવીર

શેરીમાં રખડતા કૂતરા લોકોને હેરાન કરતા હોવાની અને બચકું ભરતા હોવાની ઘટનાઓમાં વધારો થવાથી સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સ્કૂલ, હૉસ્પિટલ, બસ-ડેપો, રેલવે-સ્ટેશન અને અન્ય જાહેર પરિસરમાંથી રખડતા કૂતરા હટાવવામાં આવે અને એમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશનો અમલ કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મુંબઈ (નૉર્થ)ના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે આદેશ બહાર પાડ્યો હતો કે સ્કૂલના ટીચર્સે સ્કૂલના પરિસરમાં જો કૂતરાઓ આવી જતા હોય તો એમને ત્યાંથી હાંકી કાઢવા અને તેમણે  કૂતરાઓને હાંકી કાઢવા નોડલ ઑફિસરની વધારાની જવાબદારી સ્વીકારવી પડશે. જોકે સ્કૂલના શિક્ષકો દ્વારા આ બાબતનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જો તેઓ કૂતરાઓને હાંકી કાઢવા ક્લાસમાંથી નીકળીને બહાર જશે તો તેમની બાળકોને ભણાવવાની મૂળ જવાબદારી પૂરી રીતે નિભાવી નહીં શકે. આ ઉપરાંત તેમને સોંપવામાં આવેલી અન્ય જવાબદારીઓ પણ વધારે છે એટલે તેઓ ઑલરેડી ઓવર-બર્ડન્ડ છે.

આ બદલ ધ મહારાષ્ટ્ર પ્રોગ્રેસિવ ટીચર્સ અસોસિએશને મુખ્ય પ્રધાન, એજ્યુકેશન મિનિસ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પત્ર લખીને કહ્યું છે કે ‘સ્કૂલના કૅમ્પસમાં સ્વચ્છતા જાળવવી, કૅમ્પસનું મેઇન્ટેનન્સ કરવું અને રખડતાં જનાવરોને હાંકી કાઢવાની જવાબદારી BMC અને અન્ય એજન્સીઓની છે. આ ઍડ્‍મિનિસ્ટ્રેટિવ જવાબદારી હવે શિક્ષકોને સોંપવામાં આવી રહી છે.’ 

જો બાળકોના ફાયદામાં કશું કરવાનું હશે તો અમે શિક્ષકો એ માટે ક્યારેય ના નહીં પાડીએ. જોકે હવે જે સરકારી અધિકારોઓનું કામ છે એ શિક્ષકોને સોંપવામાં આવી રહ્યું છે. - મહારાષ્ટ્ર સ્કૂલ પ્રિન્સિપાલ્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ મહેન્દ્ર ગણપુલે

mumbai news mumbai Education supreme court wildlife maharashtra government brihanmumbai municipal corporation