સ્ટુડન્ટ‍્સની NEET-UG પછી હવે ટીચર્સની TETનું પેપર પણ ફૂટ્યું

28 June, 2026 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટના ૨૪ કલાક પહેલાં જ પેપર લીક થઈ ગયું, પોલીસે કરી આરોપીઓની ધરપકડ : હવે પરીક્ષા પછી લેવાશે, તારીખો નક્કી નહીં

એકનાથ શિંદે

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)નું પેપર ફૂટવાની ઘટના બાદ હવે થાણેમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)નું પેપર લીક થવાની ઘટના પણ સામે આવી છે અને આ મામલે અમુક લોકોને પોલીસે તાબામાં લઈને તપાસ પણ શરૂ કરી છે. આજે રવિવારે યોજાનારી પરીક્ષા પહેલાં જ પેપર ફૂટી ગયું હોવાની જાણકારી એજન્સીઓને મળી હતી અને એ મુજબ કાર્યવાહી કરીને અમુક લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા જેમની ઓળખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. ભિવંડીમાં પેપર લીક થયું હોવાનું માનવામાં આવે છે. 
માહિતી મળતાં જ ભિવંડી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ અમુક સ્થળોએ રેઇડ પાડી હતી અને આરોપીઓને તાબામાં લીધા હતા. બીજી બાજુ મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઑફ એક્ઝામિનેશન (MSCE) દ્વારા આ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ વિશે વિગતવાર માહિતી આપશે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 
આજે મહારાષ્ટ્રમાં ૧૦૨૮ સેન્ટરમાં TETની પરીક્ષા લેવાવાની હતી. જોકે હવે પેપર લીક થઈ ગયું હોવાના કારણે એક્ઝામની નવી તારીખો પછી જાહેર કરવામાં આવશે. 

દેવેન્દ્ર ફડણવીસે તપાસ સોંપી SITને
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ફોન કરીને TET પેપર લીકની તપાસ માટે થાણેના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ પંજાબરાવ ઉગલેના વડપણ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સ્થાપના કરવાના આદેશ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે દોષી પર કાર્યવાહી કરવામાં આવે, કોઈની પણ સાડીબારી ન રાખો. એ ઉપરાંત તેમણે એજ્યુકેશન મિનિસ્ટર દાદાસાહેબ ભુસેને પણ ફોન કરી સૂચનાઓ આપી હતી.  

જે પણ દોષી હશે તેને છોડવામાં નહીં આવે : એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ટીચર એલિજિ​બિલિટી ટેસ્ટ (TET)નું પેપર લીક કરનારા દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એમ કહીને મહારાષ્ટ્રમાં પરીક્ષાના મામલે આવી ગેરરીતિ ચલાવવામાં નહીં આવે એવી ચેતવણી આપી હતી. જે કોઈ પણ આ મામલામાં દોષી જણાશે તેમને બક્ષવામાં નહીં આવે એમ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રની શિક્ષણવ્યવસ્થાને ભ્રષ્ટાચારમુક્ત, મજબૂત અને ગુણવત્તાસભર બનાવવી એ જ સરકારનું લક્ષ્ય છે એમ એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું હતું. 

મહારાષ્ટ્રમાં પેપર લીક થવાની પ્રથા બની ગઈ છે, દાદા ભુસે રાજીનામું આપે : વિપક્ષ નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ 
ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)નું પેપર લીક થઈ જવાને કારણે કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવામાં આવી રહ્યું છે ત્યારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET)નું પેપર લીક થયા બાદ વિપક્ષ દ્વારા સરકાર પર જોરદાર પ્રહાર કરવામાં આવી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં પેપર લીક થવાની પ્રથા બની ગઈ છે એવો આરોપ કરીને મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન દાદા ભુસેના રાજીનામાની માગણી કરવામાં આવી છે. દાદા ભુસેનું રાજીનામું કોલ્હાપુરના વિધાનસભ્ય જે પોતે શિક્ષક છે એ જયંત આસગાવકરે કરી છે. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે મહારાષ્ટ્રમાં પેપર લીક થવાની પ્રથા બની ગઈ હોવાનું જણાવીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પ્રહાર કરતાં પૂછ્યું હતું કે ‘થાણેમાં પેપર લીક થયું છે અને એ એકનાથ શિંદેનો ગઢ છે. આ રૅકેટ ચલાવનારાઓને રાજકીય રક્ષણ કોણ પૂરું પાડી રહ્યું છે?’ 

mumbai news mumbai thane thane crime mumbai police Education maharashtra government eknath shinde devendra fadnavis