પગલાંઓએ પકડાવ્યા બદમાશ ચોરને : પગની આંગળી અને પાનીની ઓળખ કરીને કર્યા ઝબ્બે

28 July, 2026 07:45 AM IST  |  Mumbai | Samiullah Khan

એક જ રાતમાં કાંદિવલીમાં પાંચ દુકાનોમાં ધાડ પાડનારા ટીનેજ ચોરોના ગુનાહિત ભૂતકાળ અને પોલીસની બાજનજરને કારણે ઉકેલાયો કેસ

કાંદિવલી-ઈસ્ટમાં દુકાનમાંથી ચોરી કરતા સગીરનું ઝડપાયેલું CCTV કૅમેરાનું ફુટેજ. એમાં આરોપીના ​વિચિત્ર બનાવટની પાની અને પગની આંગળીઓ દેખાય છે.

૨૩ જુલાઈએ બન્નેએ એક રિયલ ઍસ્ટેટ ઑફિસ, એક ચાઇનીઝ ફૂડ-શૉપ, બે ચાની દુકાનો અને એક જમ્બો કિંગ આઉટલેટનાં તાળાં તોડીને ચોરી કરી હતી.

૨૩ જુલાઈએ કાંદિવલી-ઈસ્ટમાં ૧૬ અને ૧૪ વર્ષના બે ટીનેજરે પાંચ દુકાનોનાં તાળાં તોડીને બે મોબાઇલ અને હજારો રૂપિયા ચોર્યા હતા. સમતાનગર પોલીસે ગજબ રીતે ઓળખ કરીને તેમની ધરપકડ કરી હતી. પોલીસને એક દુકાનના પરિસરમાં ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં બેમાંથી એક ચોર આંશિકરૂપે દેખાયો હતો. જોકે એમાં તેના પગની આંગળીઓ અને પાની બરાબર દેખાતી હતી. પોલીસે પાનીને અને પગની આંગળીઓની વિચિત્ર બનાવટને તરત જ ઓળખી કાઢી હતી. તે ચોર પહેલાં પણ ગુના આચરવાને કારણે પોલીસના હાથે ચડ્યો હોવાથી પોલીસે તેને તરત ઓળખી લીધો હતો.

પછી પોલીસે માલવણીમાંથી ચોરીના ૨૪ જ કલાકમાં ૧૬ વર્ષના ચોર અને તેના ૧૪ વર્ષના સાથીદારને પકડી પાડ્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ પહેલા આરોપીને કચ્ચા રસ્તા વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ બાદ ૧૪ વર્ષના તેના સાથીદાર સુધી પોલીસ પહોંચી હતી. તેમની પાસેથી પોલીસે ચોરાયેલા બન્ને મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. 

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news