26 December, 2025 07:13 AM IST | Mumbai | Sanjeev Shivadekar
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે એમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના વચ્ચે સીટ-શૅરિંગ પહેલાં ખેંચતાણ જોવા મળી રહી છે
અહેવાલો પ્રમાણે એક તરફ શિંદેસેનાએ BMC ઇલેક્શન્સ માટે ૧૦૦ બેઠકોની માગણી કરી છે તો BJP એની ડિમાન્ડ સામે નમતું જોખવા તૈયાર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મુદ્દાને ઉકેલવા માટે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે આજે કે આવતી કાલે મીટિંગ કરશે એવી શક્યતા છે.
શિંદેજૂથના નેતાઓનો દાવો છે કે તેમની પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું છે અને એના આધારે જ આ માગણી કરવામાં આવી છે. ૨૦૧૭માં શિવસેના એક હતી ત્યારે જીતેલા ૫૦ કૉર્પોરેટરો ઉદ્ધવ ગ્રુપને બદલે શિંદે ગ્રુપમાં છે. શિંદેસેનાના એક નેતાએ કહ્યું હતું કે ‘આ બધી બાબતો તો છે જ અને મુંબઈ તો શિવસેનાનું મુખ્ય કેન્દ્ર છે, ગઢ છે. એટલે જ અમે ૧૦૦થી વધુ બેઠકો અમને મળવી જોઈએ એવી માગણી કરી છે.’
બીજી તરફ BJP ૧૪૫ બેઠકો પર લડવા માટે મક્કમ છે, કારણ કે ૨૨૭ સભ્યો ધરાવતી BMCમાં ૧૧૪ની બહુમતી જરૂરી છે. પોતાના જ દમ પર બહુમતીના આંકડાની નજીક રહેવાની શક્યતા વધે એ માટે BJP ૧૪૫ બેઠકો પર લડવા માગે છે. BJPએ શિંદેસેનાને ૮૦ બેઠકોની ઑફર કરી છે અને એમાં વધુ બાંધછોડ કરવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે.
મહત્ત્વની વાત એ પણ છે કે અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને હજી સુધી ગઠબંધનનો ભાગ ગણવામાં નથી આવી રહી ત્યારે આ સ્થિતિ છે. જો આગળની વાટાઘાટોમાં અજિત પવારને પણ સાથે લઈને ચાલવાની સહમતી સધાય તો BJP અને શિંદેસેના બન્નેએ બેઠકોની સંખ્યામાં ઘટાડો કરવો પડશે.
૨૦૧૭માં શિવસેના-BJPનું ગઠબંધન તૂટ્યું નહોતું એ પહેલાં પચીસ વર્ષ જેટલો સમય બન્નેએ સાથે મળીને BMC પર શાસન કર્યું હતું. ૨૦૧૭ના છેલ્લા ઇલેક્શનમાં (ભાગલા પડ્યા પહેલાંની) શિવસેના ૮૪ સીટ સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હતી, જ્યારે BJP પણ ૮૨ સીટ સાથે એકદમ નજીક હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ૭ સીટ મળી હતી, જેમાંથી ૬ ઉદ્ધવ ઠાકરેના ગ્રુપમાં જોડાઈ ગયા હતા. કૉન્ગ્રેસને ૩૧ અને NCPને ૯ તથા અન્ય પક્ષોને ૧૪ બેઠક મળી હતી.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ યુતિ જાહેર કરી દીધી છે એટલે મતોમાં વિભાજનના ડરને કારણે BJP સાથે સીટ-શૅરિંગની વાટાઘાટોમાં એકનાથ શિંદેનો હાથ ઉપર છે. BJPએ તો ઘણા લાંબા સમયથી BMCમાં પોતાના દમ પર બહુમતી મેળવવાનું સપનું જોયું છે, પણ હજી એ સાકાર નથી થયું.
આવી સ્થિતિમાં જ્યારે BJP અને શિંદેસેનાના નેતાઓને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું BMC ઇલેક્શનમાં તેઓ બન્ને સ્વતંત્ર રીતે ન લડી શકે? ત્યારે બન્ને તરફથી નકારાત્મક જવાબ મળે છે અને બન્ને પક્ષે સાથે લડવા બાબતે પૂરો આત્મવિશ્વાસ જોવા મળે છે. એક નેતાએ જણાવ્યું હતું કે ‘આ બધી સમસ્યાઓનો ઉકેલ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે તેમના લેવલ પર લાવી દેશે.’
૧૫ જાન્યુઆરીએ યોજાઈ રહેલા BMC ઇલેક્શન માટે ઉમેદવારી ભરવાની શરૂઆત ૨૩ ડિસેમ્બરથી થઈ ગઈ છે જે ૩૦ ડિસેમ્બર સુધી ચાલશે. જોકે હજી સુધી કોઈ પણ પાર્ટી કે ગઠબંધને બેઠકોની વહેંચણી મુદ્દે સ્પષ્ટતા કરી નથી.