26 October, 2025 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૧૫૦ બેઠકો જીતવાનું લક્ષ્ય ‘મિશન ૧૫૦+’ રાખ્યું છે. મહાયુતિમાં હવે બેઠકોની વહેંચણીનો નિર્ણય પણ અંતિમ તબક્કામાં છે ત્યારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ટોણો મારતાં કહ્યું હતું કે તેમનો આત્મવિશ્વાસ જોતાં તો અમારે બધાએ કેદારનાથ જઈ હરિ... હરિ... કરતા બેસવું પડશે. જોકે આમ કહ્યા પછી પણ તેમણે કહ્યું હતું કે BMCનો મેયર તો અમારી શિવસેના (UBT)નો જ હશે.
BMCની ચૂંટણીનું સમીકરણ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે યુતિ કરે છે કે નહીં એના પર અવલંબે છે. જો તેઓ યુતિ કરશે તો એકનાથ શિંદેની શિવસેનાને ભારે પડી શકે છે. જો તેઓ અલગ-અલગ લડશે તો વોટ વહેંચાઈ જવાથી એનો ફાયદો શિંદેસેના અને BJPને થવાની શક્યતા વધુ છે. એથી BJPએ મિશન ૧૫૦+નો ટાર્ગેટ રાખ્યો છે. સંજય રાઉતે એના પર ટોણો મારતાં કહ્યું હતું કે ‘મને એવું લાગી રહ્યું છે કે તેમનો જે આત્મવિશ્વાસ છે એ જોતાં ભારતીય જનતા પાર્ટી ૧૫૦+નો નારો આપશે, એકનાથ શિંદે જૂથ ૧૨૦નો નારો આપશે અને અજિત પવાર ઍટ લીસ્ટ ૧૦૦ બેઠકો મુંબઈમાંથી જીતશે એવો તેમનો આત્મવિશ્વાસ જણાઈ રહ્યો છે. એથી એ પછી અમારે બધાએ રાજકારણમાંથી સંન્યાસ લઈને હરિ... હરિ... કરતા કેદારનાથ જવું પડશે અને વડા પ્રધાન મોદીની ગુફા છે એમાં જઈને બેસવું પડશે.’
એ પછી સંજય રાઉતે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગમે એટલી સિંહગર્જના ભલે કરે, મુંબઈમાં ઠાકરે બંધુઓનો જ મેયર બનશે.