13 November, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં રહેતી ૧૯ વર્ષની લૉ-સ્ટુડન્ટે પાડોશમાં રહેતા છોકરાઓ દ્વારા વારંવાર થતી છેડતીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સુસાઇડ-નોટ અને પરિવારના નિવેદન બાદ પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ પાંચમી નવેમ્બરે સાંજે યુવતીનો પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે તેમણે યુવતીને પંખા પર દુપટ્ટા સાથે લટકતી જોઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીઓને ચાદર નીચે મૂકેલી સાત પાનાંની સુસાઇડ-નોટ મળી હતી. એમાં ઉલ્લેખ હતો કે નજીકમાં રહેતા પ્રવીણ સાથે તે રિલેશનશિપમાં હતી. બન્ને વચ્ચે શારીરિક સંબંધ પણ હતો. આ વાતની જાણ
પાડોશમાં રહેતા અન્ય છોકરાઓને થઈ ગઈ હતી. તે છોકરાઓ યુવતી વિશે ખરાબ વાતો કરવા લાગ્યા અને તેમની સાથે સંબંધ બાંધવાની માગણી પણ કરવા લાગ્યા હતા. પાંચ છોકરાઓ દ્વારા પાછલા કેટલાક મહિનાઓથી અનેક રીતે આ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. સોશ્યલ મીડિયાની ચૅટ્સ અને આસપાસના લોકોનાં નિવેદનો લઈને પોલીસે સુસાઇડ-નોટમાં જે પાંચ આરોપીઓનાં નામ હતાં તેમની ધરપકડ કરી છે.