15 June, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
JCBની મદદથી સિમેન્ટના બ્લૉક્સનો કાટમાળ હટાવાયો હતો.
થાણે પાસે આજે વહેલી સવારે એક રોડ ઍક્સિડન્ટ (Thane Accident) થયો હતો. મુંબઈ-નાસિક તરફના ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક ડમ્પર ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ ઍક્સિડન્ટમાં લગભગ ૪૫ મિનિટ સુધી રસ્તા પર ઓઇલ ફેલાઈ જવાને લીધે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. આ સમગ્ર હાદસામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર ઍક્સિડન્ટ થાણે વેસ્ટમાં જ્યુપિટર હોસ્પિટલની સામે વહેલી સવારે આશરે પોણા પાંચ વાગ્યે થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રક ભાંડુપથી પૂણે તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતાં વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું.
ટ્રકની અથડામણ એટલી જોરદાર હતી કે ડિવાઇડરમાં ફિટ કરેલા સિમેન્ટના બ્લૉક્સ તૂટીને જુદા પડી ગયા હતા. દુર્ઘટનાસ્થળે (Thane Accident) સિમેન્ટના બ્લૉક્સનો કાટમાળ ફેલાયો હતો. તે ઉપરાંત ટ્રકમાંથી ઓઇલ પણ લીક થયું હતું. આખા રસ્તે ઓઇલ ફેલાઈ જવાને કારણે અન્ય મોટરિસ્ટો માટે વાહન ચલાવવાનું કપરું થઈ પડ્યું હતું, જેથી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જૅમ થયો હતો.
રબોડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ તાત્કાલિક પિકઅપ વાહન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. કોંક્રિટના બ્લૉકનો કાટમાળ હટાવવા માટે એક JCB મશીન લાવવામાં આવ્યું હતું. બીજા વાહનો લપસી ન પડે અને તે માટે સલામતીના ભાગરૂપે રસ્તા પર ફેલાયેલા ઓઇલ પર ધૂળ નાખવામાં આવી હતી. વધુમાં, હાઇવે પરથી ક્ષતિગ્રસ્ત વાહનને દૂર કરવા માટે પણ એક ક્રેનની મદદ લેવામાં આવી હતી.
આ ઍક્સિડન્ટને (Thane Accident) લીધે મુંબઈ-નાસિક લેન પર લગભગ પોણો કલાક ટ્રાફિક ખોરવાયો હતો. બધુ થાળે પડ્યું ત્યાં સુધી વાહનો અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા. જોકે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. રબોડી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સંદેશ ગાવંદે આ ઘટના અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને માહિતી આપી હતી.
આજે વહેલી સવારે થાણેના કપૂરબાવડીમાં સિને વન્ડર મોલ પાસે પણ બે ટ્રક અથડાયા હતા. બંને વાહનોને નુકસાન (Thane Accident) થયું હતું. પહેલાં ગુજરાતની રજિસ્ટ્રેશન પ્લેટ ધરાવતી ટ્રક ડિવાઇડર સાથે ભટકાઇ હતી પછી બીજી બાજુથી આવતી ટ્રક પણ અથડાઇ હતી. અકસ્માતમાં ઇજાઓ કે જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ પુષ્ટિ થઈ નથી. અધિકારીઓ હાલમાં બંને વાહનચાલકોની પૂછપરછ કરી આ ઍક્સિડન્ટ કી રીતે થયો તેના કારણો શોધી રહ્યા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે કારણ કે સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ ચાલુ રાખે છે.