28 October, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના કાપુરબાવડીમાં ઝઘડો થવાથી એક ટીનેજરે તેની ૧૭ વર્ષની ટીનેજ મિત્રને આગ ચાંપી દીધી હતી, જેને કારણે ટીનેજર ૮૦ ટકા દાઝી ગઈ હતી.
કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ આપેલી માહિતી મુજબ બન્ને મિત્રો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. ત્યાર બાદ ૨૪ ઑક્ટોબરે આરોપી ટીનેજ મિત્રના ઘરે ગયો હતો અને તેના પર જ્વલનશીલ પદાર્થ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. છોકરીએ મદદ માટે બૂમો પાડી છતાં ત્યાં હાજર આરોપીએ તેને બચાવવાની કોશિશ નહોતી કરી.
છોકરીના પાડોશીઓએ તેના ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો એટલે બહાર ગયેલા તેના પપ્પાને આ બનાવની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટીનેજરના પપ્પાએ આરોપીને ફોન કર્યો હતો અને તેને હૉસ્પિટલમાં લઈ જવાની સૂચના આપી હતી.
ત્યાર બાદ આરોપી દાઝી ગયેલી ટીનેજરને થાણે સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયો હતો, પણ તેની હાલત ગંભીર હોવાને કારણે તેને KEM હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ તેને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે.