09 November, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણરાજ બિલ્ડિંગનો તૂટી પડેલો સ્લૅબ અને બચાવ-કામગીરી.
થાણેમાં વર્તકનગરમાં પોખરણ રોડ-નંબર એક પર આવેલી ગણરાજ સોસાયટીના બીજા માળનો સ્લૅબ તૂટીને પહેલા માળ પર પડ્યો હતો જેને કારણે પહેલા માળે રહેતા સિનિયર સિટિઝન દંપતી સહિત ૯ લોકો ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતાં જ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) અને પોલીસ સહિત બધી જ સરકારી સુરક્ષા સંસ્થાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બિલ્ડિંગના રહેવાસીઓને સુરક્ષિતપણે અન્યત્ર ખસેડી તેમની સલામતીની ચોકસાઈ કરવામાં આવી હતી.
૪ માળના બિલ્ડિંગના બીજા માળનો સ્લૅબ પહેલા માળ પર પડતાં સીડીને પણ નુકસાન થયું હતું જેથી બીજા અને પહેલા માળના રહેવાસીઓ બહાર નીકળી શકે એમ નહોતા, જેને કારણે રેસ્ક્યુ ટીમે બિલ્ડિંગની બહારથી સીડી મૂકી અંદર ઊતરી લોકોને બહાર કાઢ્યા હતા અને બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાની જાણકારી વર્તકનગર પોલીસના અધિકારીઓએ આપી હતી. જોકે આ ઘટના બાદ ૨૪ વર્ષ જૂના બિલ્ડિંગની આવી કથળેલી હાલતના મામલે લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આડેધડ કામકાજ અને પરવાનગીઓ આપીને બનાવવામાં આવેલાં બિલ્ડિંગોની સુરક્ષિતતા વિશે સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.