17 July, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) શહેરમાં શુક્રવારે સવારે એક જર્જરિત બંગલાની કમ્પાઉન્ડ વોલનો એક ભાગ વ્યસ્ત રસ્તા પર તૂટી પડ્યો (Thane bungalow wall collapse) હતો, જેના પગલે નાગરિક સત્તાવાળાઓએ કાટમાળ હટાવીને બાંધકામની સમીક્ષા હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
બંગલાની કમ્પાઉન્ડ વોલ તૂટવાની આ ઘટના થાણેના નૌપાડા (Naupada) વિસ્તારમાં સવારે અંદાજે ૯:૩૦ વાગ્યે બની હતી જ્યારે બંગલાની કમ્પાઉન્ડ વોલનો એક ભાગ તૂટીને નજીકના રસ્તા પર પડ્યો હતો. સદનસીબે, અકસ્માત સમયે રસ્તો વ્યસ્ત હોવા છતાં કોઈ રાહદારી કે વાહનચાલકને ઈજા થઈ ન હતી.
ઘટના બાદ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation) અને અન્ય વિભાગોના અધિકારીઓ વિસ્તારને સુરક્ષિત કરવા અને કાટમાળ હટાવવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)ના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે, ઘટનાના તુરંત બાદ વિવિધ નાગરિક વિભાગોના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)ના ચીફ યાસીન તડવીએ ઉમેર્યું કે, આપત્તિ વ્યવસ્થાપન સેલના કર્મચારીઓ કાટમાળ સાફ કરવા માટે એક પિકઅપ વાહન અને જેસીબી (JCB) મશીન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે જાહેર બાંધકામ વિભાગના જુનિયર એન્જિનિયર અને દબાણ વિરોધી વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો.’
વિસ્તારમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંગલાને અગાઉથી જ માળખાકીય રીતે અસુરક્ષિત ગણાવીને જોખમી ઇમારત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. તડવીએ જણાવ્યું હતું કે, ‘સંબંધિત બંગલાની ઇમારતને અગાઉથી જ `C-1` કેટેગરી તરીકે જાહેર કરવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે તે અત્યંત જોખમી છે, રહેવા માટે અયોગ્ય છે અને તેને તાત્કાલિક તોડી પાડવાની જરૂર છે.’
ચોમાસાની ઋતુ (Mumbai Monsoon)માં આ ઘટનાએ ફરી એકવાર જૂની અને અસુરક્ષિત ઇમારતો અંગેની ચિંતા વધારી દીધી છે, કારણ કે સતત પડતા વરસાદને લીધે ઘણીવાર જૂની ઇમારતો અને કમ્પાઉન્ડ વોલ નબળી પડી જાય છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં બનેલી એક અલગ ઘટનામાં, થાણે જિલ્લાના ભીવંડી (Bhiwandi) શહેરમાં બીજા માળના ફ્લેટની બારીની ગ્રીલ તૂટી પડતાં બે સગીર છોકરાઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના રવિવારે બપોરે દરગાહ રોડ પર એક મસ્જિદ નજીક બની હતી.
ભીવંડી નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (Bhiwandi Nizampur Municipal Corporation)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ૮ અને ૧૦ વર્ષની ઉંમરના બે છોકરાઓ સંબંધીઓને ત્યાં આવ્યા હતા અને તેઓ ચાર માળની રહેણાંક ઇમારતમાં બીજા માળના એપાર્ટમેન્ટની બારીની ગ્રીલ પર બેઠા હતા ત્યારે તે અચાનક તૂટી પડી હતી. બાળકો નીચે પડતાં તેમને ઈજા થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઇમારત પાલિકાની જોખમી ઇમારતોની યાદીમાં સામેલ નહોતી અને ગ્રીલ તૂટી પડવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.