16 September, 2025 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે-વેસ્ટના રાબોડીમાં આવેલી થાણે સેન્ટ્રલ જેલમાંથી હત્યાના અલગ-અલગ કેસમાં સજા ભોગવી રહેલા વિજય મિશ્રા અને આરિફ અનવર અલીએ ૯ સપ્ટેમ્બરે ફિલ્મી સ્ટાઇલમાં જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જેલના સ્ટાફની મદદથી તેઓ ફરી પાછા પકડાઈ ગયા હતા. આ પ્રયાસમાં આરોપીઓએ જેલના સુરક્ષા-અધિકારી પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યા બાદ થાણે નગર પોલીસે બન્ને આરોપીઓ સામે રવિવારે ફરિયાદ નોંધી હતી. આરિફ વિરુદ્ધ મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં અને વિજય વિરુદ્ધ પાલઘરના વાડા પોલીસ-સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાયો છે. આરોપીને સુથાર વિભાગમાં કામ આપવામાં આવ્યું હતું એ દરમ્યાન બન્ને આરોપીઓ ટૉઇલેટમાં છુપાઈ ગયા હતા. સ્ટાફે તેમને ત્યાંથી બહાર કાઢવાની કોશિશ કરતાં બન્ને અલગ-અલગ વિસ્તારમાં ભાગ્યા હતા એટલું જ નહીં, કલાકો સુધી પોલીસને દોડાવ્યા બાદ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
થાણે નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને આરોપીઓને ટૉઇલેટમાં છુપાયેલા જોતાં જેલના સ્ટાફે તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો એ સમયે વિજય સુથારકામ વિભાગની બારીની ગ્રિલ પર ચડીને છત પર ચડી ગયો હતો. સુરક્ષા-કર્મચારીએ સિટી વગાડીને અને વૉકી-ટૉકી પર મેસેજ મોકલીને બધા અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવી દીધા હતા. બીજી તરફ આરિફ પણ CCTVના વાયરની મદદથી જેલના ટાવર પર ચડી ગયો હતો. એ પછી જેલના કર્મચારીએ મુખ્ય પ્રવેશદ્વાર ખોલીને પાછળની બાજુએથી ટાવર પર ચડીને આરિફને પકડી લીધો હતા. એ ધમાચકડીમાં વિજય અન્ય જગ્યાએ સંતાઈ ગયો હતો. જેલની ટીમે તેને ફરી શોધવાનું શરૂ કરતાં તે જેલમાંના જંગલ-વિસ્તારમાં સંતાયો હતો. ટીમ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે તેણે પોતાના હાથમાં રહેલા લોખંડના ટુકડાથી પોલીસ પર હુમલો કર્યો હતો એ પછી તેણે પોતાને ઈજા પહોંચાડી હતી. હાલમાં બન્ને આરોપીઓને ઝડપી લેવામાં જેલના સ્ટાફને સફળતા મળી છે. જોકે બન્ને આરોપીઓએ જેલના સ્ટાફને કલાકો સુધી કામે લગાડી રાખ્યા હતા. બન્ને સામે ફરિયાદ નોંધવામાં આવી છે.’