જેલમાંથી બહાર આવ્યાને બે જ અઠવાડિયાં થયાં છે ત્યાં રીલ સ્ટાર ફરી પોલીસની જાળમાં

01 April, 2026 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીના દાવડી ગામના તેના આલીશાન બંગલામાંથી ૭ બંદૂક અને ૩૭૧ કારતૂસ જપ્ત

હિસ્ટરીશીટર અને સોશ્યલ મીડિયા પર પોતાને ‘રીલ સ્ટાર’ તરીકે ઓળખાવતો સુરેશ પાટીલ.

થાણે ક્રાઇમ બ્રાન્ચે ડોમ્બિવલી-ઈસ્ટના દાવડી ગામમાં હિસ્ટરીશીટર અને સોશ્યલ મીડિયા પર પોતાને ‘રીલ સ્ટાર’ તરીકે ઓળખાવતા પંચાવન વર્ષના સુરેશ પાટીલના આલીશાન બંગલામાંથી ભારે પ્રમાણમાં શસ્ત્રનો જથ્થો જપ્ત કર્યો છે. જેલમાંથી જામીન પર બહાર આવ્યા પછી માત્ર બે અઠવાડિયાં જ થયાં છે ત્યારે ફરી એક વાર આ માણસં પોલીસની જાળમાં ફસાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળતાં દાવડી ગામમાં આવેલા તેના ભવ્ય બંગલામાં મધરાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન મળેલાં હથિયારોની સંખ્યા અને પ્રકારને જોતાં પોલીસ-અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

થાણે ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે અમે દાવડી ગામમાં આવેલા સુરેશ પાટીલના બંગલા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન બંગલાની અંદર એક શૂ-રૅક દેખાઈ હતી જે ઘરના ઇન્ટીરિયર સાથે મેળ ખાતી નહોતી. આ શંકાસ્પદ લાગતી રૅકની તપાસ કરતાં એમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખૂણામાંથી મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યાં હતાં. ૭ બંદૂક, ૩૭૧ જીવંત કારતૂસ અને ૧૬૭ ઍરગનની ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ જથ્થાની કિંમત આશરે ૧૦ લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે આટલા મોટા પ્રમાણમાં જીવંત કારતૂસ મળી આવવું એ ગંભીર બાબત છે અને એ માત્ર પ્રદર્શન માટે નહીં, વપરાશ માટે તૈયાર રાખવામાં આવી હોવાની અમને શંકા છે. કેટલીક પિસ્તોલ પર ‘મેડ ઇન USA’ અને ‘સ્પેશ્યલ ઑટો’ જેવા શબ્દો કોતરાયેલા છે. હવે એ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યાં અને એનો શું ઉપયોગ થવાનો હતો એ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આ મામલે હથિયારોના સ્રોત, એના સંભવિત સાથીદારો અને કોઈ મોટા ષડ્યંત્રની શક્યતા વિશે તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai thane crime mumbai police Crime News mumbai crime news dombivli crime branch mumbai crime branch