પાંચમી-છઠ્ઠી લાઇનનું કામ પૂરું તો થઈ ગયું, પણ સમય પર ટ્રેનો ક્યારે દોડશે?

10 February, 2022 11:27 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અપ ફાસ્ટ લાઇન પર સુરક્ષાને કારણે ટ્રેનો સ્લો દોડતી હોવાથી પ્રવાસીઓ પરેશાન : લોકોને હાલાકીનો સામનો થતાં અમુક સ્ટેશને ભીડ પણ જોવા મળી

ફાઇલ તસવીર

સેન્ટ્રલ રેલવેના થાણે અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે સમયાંતરે બ્લૉક લઈને પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ હાથ ધરાયું હતું. ૭૨ કલાકનો મેગા બ્લૉક કરીને નવી લાઇનનું અંતિમ તબક્કાનું બધું કામ પૂરું કરાયું છે. જોકે આ કામ પૂરું થયાના અનેક દિવસ બાદ પણ સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓની હાલાકી ઓછી થઈ રહી નથી. અપ ફાસ્ટ લાઇન પર કૉશન ઑર્ડર હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ ટ્રેનની સ્પીડ મર્યાદિત રાખવામાં આવે છે, પરંતુ એને કારણે ટ્રેનો સમય પર દોડતી ન હોવાથી પ્રવાસીઓ હેરાનગતિ વેઠવાની સાથે કામ પર જવામાં મોડું થતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે. એથી હવે સમયપત્રક પ્રમાણે લોકલ ટ્રેનો ક્યારે દોડશે એની રાહ પ્રવાસીઓ દ્વારા જોવામાં આવી રહી છે. 
સેન્ટ્રલ રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઇનના અંતિમ કામ માટે ૭૨ કલાકનો બ્લૉક લેવાયા પહેલાં પણ સેન્ટ્રલ રેલવેના કલ્યાણ બાઉન્ડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર જતી સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનો સમય કરતાં આશરે ૧૫ મિનિટ મોડી દોડી રહી હતી. આ ટ્રેનો નવા ટ્રૅક પર દોડી રહી હોવાથી ત્યાં કૉશન ઑર્ડર અપાયો હોવાથી સુરક્ષાને લીધે સ્પીડ મર્યાદિત કરાઈ હતી. ત્યાર બાદ થાણે-દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન પર કામ પૂરું કરવા માટે બે દિવસ થાણે અને કલવા સ્ટેશનો વચ્ચે ૩૬ કલાકનો મુખ્ય લાઇન પર મેગા બ્લૉક લીધો હતો. આમ બ્લૉક અને હવે અપ-ફાસ્ટ લોકલ કૉશન ઑર્ડરને કારણે રાબેતા મુજબની સ્પીડ કરતાં લોકલ ટ્રેન ઓછી ગતિએ દોડતી હોવાથી પ્રવાસીઓના નાકે દમ આવી ગયો છે. જોકે આ હાલાકી આગામી દિવસોમાં પણ સહન કરવી પડે એમ હોવાથી પ્રવાસીઓએ એ માટે તૈયાર રહેવાની જરૂર છે. 

રેલવેનું શું કહેવું છે?

સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નવા ટ્રૅક અને નવી લાઇન હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ કૉશન ઑર્ડર લાગુ કરવામાં આવે છે. એ અનુસાર ટ્રેનને મર્યાદિત સ્પીડે દોડાવવામાં આવી રહી છે. ૧૧૦ કિલોમીટરની સ્પીડે ટ્રેન દોડતી હોય છે, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ ટ્રેન હાલમાં ૩૦ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. એથી કલ્યાણ-સીએસટી બાઉન્ડ ટ્રેનો સમયપત્રક કરતાં મોડી દોડે છે. લગભગ સોમવાર સુધી આ સમસ્યાનો સામનો કરવો પડે એમ છે. અન્ય લાઇન પર સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનોના ટ્રૅક પરથી કૉશન ઑર્ડર દૂર 
કરાયો હોવાથી આ ટ્રેનો પહેલાંની જેમ સમયપત્રક પ્રમાણે દોડી રહી છે. પાંચમી-છઠ્ઠી લાઇન પરથી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે.’

mumbai mumbai news