Thane: સોના અને વિદેશી ચલણની લાલચ આપી મહિલા સાથે ૮ લાખ રુપિયાની ઠગાઈ

21 July, 2026 04:12 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane Fake Foreign Parcel Scam: કલ્યાણની બ્યુટિશિયન બની સાયબર ગઠિયાઓનો શિકાર, સોના અને વિદેશી ચલણ ધરાવતા બોગસ ફોરેન પાર્સલ સ્કેમના ચક્કરમાં ગુમાવ્યા ૮.૦૫ લાખ રુપિયા ગુમાવ્યા, પોલીસે નોંધી એફઆઇઆર; વધુ તપાસ ચાલુ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કલ્યાણ (Kalyan)ની ૪૫ વર્ષીય બ્યુટિશિયન વિદેશી ચલણ (કરન્સી) અને સોનાના દાગીના ધરાવતા પારસલની લાલચ આપતી બોગસ ફોરેન પાર્સલ સ્કીમ (Thane Fake Foreign Parcel Scam)નો ભોગ બનતા તેમણે રુપિયા ૮ લાખથી વધુ રકમ ગુમાવી હોવાનો આરોપ સામે આવ્યો છે. સાયબર ઠગોએ કસ્ટમ્સ ક્લિયરન્સ અને અન્ય ટેક્સ ચાર્જિસના બહાને મહિલા પાસેથી અલગ-અલગ તબક્કે અનેક વાર ઓનલાઈન પૈસા પડાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ મહિલાએ આ અંગે પોલીસ (Mumbai Police)નો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

વિદેશી પાર્સલની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી

મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લાના કલ્યાણની ૪૫ વર્ષીય બ્યુટિશિયન સાથે સાયબર ઠગોએ વિદેશી ચલણ અને સોનાના દાગીના ધરાવતું વિદેશી પાર્સલ આપવાની લાલચ આપીને રુપિયા ૮.૦૫ લાખની છેતરપિંડી કરી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

રવિવારે નોંધાયેલી FIR મુજબ, એપ્રિલથી ૧૯ જુલાઈ વચ્ચે એક શખ્સે ફરિયાદીના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેણે વિદેશથી તેના માટે એક પાર્સલ મોકલ્યું છે.

ત્યારબાદ એક મહિલાએ કથિત રીતે પીડિતાનો સંપર્ક કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે પાર્સલ કસ્ટમ્સ ઓફિસે પહોંચી ગયું છે અને તેને છોડાવવા માટે તેણે કસ્ટમ્સ ચાર્જ તરીકે રુપિયા ૭૫,૦૦૦ ચૂકવવા પડશે.

પોલીસે જણાવ્યું કે, ફોન કરનારે વધુમાં દાવો કર્યો હતો કે પાર્સલમાં વિદેશી ચલણ છે અને કન્સાઈનમેન્ટમાં સામેલ હોવાનો દાવો કરાયેલા સોનાના હાર અને સોનાના બિસ્કિટ પર મની લોન્ડરિંગ ક્લિયરન્સ સર્ટિફિકેટ તેમજ ટેક્સ માટે વધારાની ચુકવણી જરૂરી છે.

છેતરપિંડીનો ખ્યાલ આવે તે પહેલાં પીડિતાએ રુપિયા ૮.૦૫ લાખ ટ્રાન્સફર કર્યા

દાવાઓને સાચા માનીને બ્યુટિશિયને સાયબર ઠગોને અનેક તબક્કે નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

FIR મુજબ, પોતે સાયબર છેતરપિંડીનો ભોગ બની હોવાની જાણ થાય તે પહેલાં તેણે કુલ રુપિયા ૮.૦૫ લાખ ચૂકવી દીધા હતા.

ત્યારબાદ મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.

નવી મુંબઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ ફ્રોડનો કેસ નોંધ્યો

એક અન્ય ઘટનાક્રમમાં, નવી મુંબઈ સાયબર પોલીસે ત્રણ બેંક ખાતાધારકો સામે તેમના બેંક ખાતાઓ દ્વારા રુપિયા ૧૧.૪૮ કરોડથી વધુના વ્યવહારોની સુવિધા આપીને ઓનલાઈન છેતરપિંડીમાં મદદ કરવાનો ગુનો નોંધ્યો છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ૧૨ નવેમ્બર, ૨૦૨૫ અને ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ વચ્ચે કથિત રીતે રુપિયા ૧૧,૪૮,૨૩,૭૩૩ મેળવ્યા હતા અને તેનો ગેરઉપયોગ કર્યો હતો. આ કેસ રવિવારે નોંધવામાં આવ્યો હતો.

તપાસકર્તાઓને આશંકા છે કે સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની હેરફેર માટે આ ખાતાઓનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ તરીકે કરવામાં આવ્યો હતો.

BNS જોગવાઈઓ હેઠળ FIR નોંધાઈ

પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૪) (છેતરપિંડી), ૩૧૭(૨) (ચોરીની મિલકત અપ્રામાણિકપણે મેળવવી અથવા રાખવી) અને ૩(૫) (સમાન ઈરાદો) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ કેસમાં પણ અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને નાણાંના પ્રવાહનો તાગ મેળવવા તથા આ કથિત છેતરપિંડીમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

thane thane crime cyber crime Crime News mumbai crime news kalyan mumbai police mumbai mumbai news